પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે પુરુષશ્રેષ્ઠ ! સુખદુઃખમાં સમ એવા જે બુદ્ધિમાન પુરુષને આ વિષયો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય બને છે. ૧૫.

અસત્‌ની હસ્તી નથી, ને સત્‌નો નાશ નથી. આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે. ૧૬.

જે વડે આ અખિલ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણજે. આ અવ્યયનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. ૧૭.

નિત્ય રહેનારા તેમ જ મન અને ઈન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અવિનાશી દેહી(આત્મા)ના આ દેહો નાશવંત કહ્યા છે, તેથી હે ભારત ! તું યુદ્ધ કર. ૧૮.

જે આને હણનાર તરીકે માને છે તેમ જ જે આને હણાયેલો માને છે એ બંને કંઈ જાણતા નથી. આ (આત્મા) નથી હણતો, નથી હણાતો. ૧૯.

આ કદી જન્મતો નથી, કે મરતો નથી; આ હતો અને હવે થવાનો નથી એવુંયે નથી; તેથી તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે; શરીર હણાયાથી તે હણાતો નથી. ૨૦.

૧૪