પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે પાર્થ ! જે પુરુષ, આત્માને અવિનાશી, નિત્ય અજન્મા અને અવ્યય માને છે તે કેવી રીતે કોઈને હણાવે કે કોઈને હણે ? ૨૧.

મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો નાખી દઈ બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઈ ગયેલા દેહને છોડી બીજા દેહને પામે છે. ૨૨.

એ(આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પલાળતું નથી, વાયુ સૂકવતો નથી. ૨૩.

આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત છે, સ્થિર છે, અચળ છે, અને સનાતન છે. ૨૪.

વળી એ ઈન્દ્રિયોને અને મનને અગમ્ય છે, વિકારરહિત કહેવાયો છે, માટે એને તેવો જાણીને તારે એનો શોક કરવો ઉચિત નથી. ૨૫.

અથવા જો તું આને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તોયે હે મહાબાહો ! તારે એને વિશે શોક કરવો ઉચિત નથી. ૨૬.

૧૫