પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[નોંધ: લોકો અવળે માર્ગે જઈ સમાજનો નાશ ન કરે એ હેતુથી માર્ગદર્શન દ્વારા લોકકલ્યાણ સાધવું તે લોકસંગ્રહ. -કા૦]

(કેમ કે) જે જે આચરણ ઉત્તમ પુરુષો કરે છે તેનું અનુકરણ સામાન્ય લોકો કરે છે. જે (આદર્શ)ને તેઓ પ્રમાણ બનાવે છે તેને લોકો અનુસરે છે. ૨૧.

હે પાર્થ! મારે ત્રણ લોકોમાં કંઈ જ કરવાપણું નથી. મેળવવા યોગ્ય કંઈ મને નથી મળ્યું એમ પણ નથી; તોયે હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. ૨૨.

નોંધ: સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ઈત્યાદિની નિરંતર અને અચૂક ગતિ ઈશ્વરનાં કર્મો સૂચવે છે. આ કર્મો માનસિક નહીં પણ શારીરિક ગણાય. 'ઈશ્વર નિરાકાર હોવા છતાં શારીરિક કર્મો કરે છે, એમ કેમ કહેવાય?' એવી શંકા કરવાને સ્થાન નથી. કેમ કે તે અશરીરી છતાં શરીરની જેમ વર્તતો દેખાય છે. તેથી જ તે કર્મ કરતો છતો 'અકર્મકૃત્' અને અલિપ્ત છે. મનુષ્યને સમજવાનું તો એ છે કે જેમ ઈશ્વરની પ્રત્યેક કૃતિ યંત્રવત કામ કરે છે તેમ મનુષ્યે પણ બુદ્ધિપૂર્વક છતાં યંત્રની જેમ જ નિયમિત કામ કરવાં ઘટે છે. મનુષ્યની વિશેષતા યંત્રગતિનો અનાદર કરી સ્વચ્છંદી થવામાં નથી, પણ તે ગતિનું જ્ઞાનપૂર્વકનું અનુકરણ કરવામાં છે. અલિપ્ત રહી, અસંગ રહી, યંત્રવત કાર્ય કરે તો તેને ઘસારો લાગતો જ નથી. તે મરણ

૩૪