પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પર્યંત તાજો રહે છે. દેહ દેહના નિયમને અનુસરી તેના કાળે પડે છે, પણ તેમાં રહેલો આત્મા જેવો હતો તેવો જ રહે છે.

જો હું કદી પણ આળસ મરડવા સરખોયે થોભ્યા વિના કર્મને વિશે પ્રવૃત્ત ન રહું તો હે પાર્થ! લોકો બધી રીતે મારા વર્તનને અનુસરશે. ૨૩.

જો હું કર્મ ન કરું તો આ લોકો નષ્ટ થાય; હું અવ્યવસ્થાનો કર્તા બનું અને આ લોકોનો નાશ કરું. ૨૪.

હે ભારત! જેમ અજ્ઞાની લોકો આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીને આસક્તિરહિત થઈને લોકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ. ૨૫.

કર્મને વિશે આસક્ત એવા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિને જ્ઞાની પુરુષ ડામાડોળ ન કરે, પણ સમત્વ જાળવી સારી રીતે કર્મો કરી તેમને સર્વ કર્મોને વિશે પ્રેરે. ૨૬.

બધાં કર્મો પ્રકૃતિના ગુણો વડે જ કરેલાં હોય છે. ત્યાં અહંકારથી મૂઢ બનેલો મનુષ્ય 'હું કર્તા છું' એમ માની બેસે છે. ૨૭.

૩૫