પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામાદિરૂપ શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. ૩૮.

હે કૌન્તેય! તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે, તેનાથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાયેલું છે. {{float right|૩૯.વ્

ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ આ શત્રુનું નિવાસસ્થાન છે. એ વડે જ્ઞાનને ઢાંકીને આ શત્રુ દેહીને મૂર્છિત કરે છે. ૪૦.

નોંધ : ઈન્દ્રિયોમાં કામ વ્યાપે છે તેથી મન મિલન થાય છે, તેથી વિવેકશક્તિ મંદ થાય છે, તેથી જ્ઞાનનો નાશ થાય છે. જુઓ અ. ૨, શ્લોક ૬૨-૬૪.

તેથી હે ભરતર્ષભ! તું પહેલાં તો ઈન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને અનુભવનો નાશ કરનાર આ પાપીનો અવશ્ય ત્યાગ કર. ૪૧.

ઈન્દ્રિયો સૂક્ષ્મ છે, તેથી વધારે સૂક્ષ્મ મન છે, તેથી વધારે સૂક્ષ્મ બુદ્ધિ છે, જે બુદ્ધિથી પણ અત્યંત સૂક્ષ્મ છે તે આત્મા છે. ૪૨.

નોંધ : એટલે જો ઈન્દ્રિયો વશમાં રહે તો સૂક્ષ્મ કામને જીતવો સહેલ થઈ પડે.

૪૦