પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માત્ર કામ કરે છે. ઊંઘતા મનુષ્યનું શરીર જ માત્ર કામ કરે છે એમ કહી શકાય. જે કેદી બળાત્કારને વશ થઈ અનિચ્છાએ હળ હાંકે છે તેનું શરીર જ કામ કરે છે, કેમ કે તે પોતે શૂન્ય થયો છે; પ્રેરક ઈશ્વર છે.

જે સહજ મળેલાથી સંતુષ્ટ રહે છે, જે સુખ-દુઃખાદિ દ્વંદથી મુક્ત થયો છે, જે દ્વેષરહિત થયો છે, અને જે સફળતા - નિષ્ફળતાને વિશે તટસ્થ છે તે કર્મ કરતો છતો બંધાતો નથી. ૨૨.

જે આસક્તિરહિત છે, જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે, જે મુક્ત છે તે યજ્ઞાર્થે જ કર્મો કરનારો હોઈ તેનાં કર્મમાત્ર લય પામે છે. ૨૩.

(યજ્ઞમાં) અર્પણ એ બ્રહ્મ, હવિ એટલે હવનની વસ્તુ એ બ્રહ્મ, બ્રહ્મરૂપી અગ્નિમાં હવન કરનાર એ પણ બ્રહ્મ; આમ કર્મની સાથે જેણે બ્રહ્મનો મેળ સાધ્યો છે તે બ્રહ્મને જ પામે. ૨૪.

વળી કેટલાક યોગીઓ દેવતાના પૂજનરૂપ યજ્ઞ કરે છે, અને બીજા બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞને જ હોમે છે. ૨૫.

૪૯