પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મનુષ્ય કર્મોને બ્રહ્માર્પણ કરી આસક્તિ છોડી આચરે છે તે જેમ પાણીમાં રહેલું કમળ અલિપ્ત રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે. ૧૦.

શરીરથી, મનથી, બુદ્ધિથી કે કેવળ ઇન્દ્રિયોથી પણ યોગીજન આસક્તિરહિત થઈને આત્મશુદ્ધિને અર્થે કર્મ કરે છે. ૧૧.

સમતાવાન યોગી કર્મફળનો ત્યાગ કરીને પરમ શાંતિ પામે છે. જ્યારે રાગદ્વેષવાળો માણસ કામનાથી પ્રેરિત હોઈ ફળમાં લપટાઈને બંધનમાં પડે છે. ૧૨.

સંયમી પુરુષ મનથી બધાં કર્મોનો ત્યાગ કરીને નવદ્વારવાળા નગરરૂપી શરીરમાં રહેતો છતો, કંઈ ન કરતો ન કરાવતો સુખમાં રહે છે. ૧૩.

નોંધ : બે નસકોરાં, બે કાન, બે આંખ, મળત્યાગનાં બે સ્થાન અને મોઢું એમ શરીરને નવ મુખ્ય દ્વારો છે, બાકી તો ચામડીનાં અસંખ્ય છિદ્રો પણ દરવાજા જ છે. એ દરવાજાનો ચોકીદાર જો તેમાં આવજા કરનાર અધિકારીઓને જ આવજા કરવા દઈ પોતાનો ધર્મ પાળે તો તેને વિષે કહી શકાય કે આ આવજા થાય છે છતાં તે તેનો

૫૯