પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમનું મન સમત્વને વિશે સ્થિર થયું છે તેમણે આ દેહે જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિષ્કલંક અને સમ છે. તેથી તેઓ બ્રહ્મને વિશે જ સ્થિર થાય છે. ૧૯.

નોંધ : મનુષ્ય જેવું અને જેનું ચિન્તવન કરે તેવો તે થાય. તેથી સમત્વનું ચિન્તવન કરી નિર્દોષ થઈ સમત્વની મૂર્તિ એવા નિર્દોષ બ્રહ્મને પામે છે.

જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેનો મોહ નાશ પામ્યો છે, જે બ્રહ્મને જાણે છે અને બ્રહ્મમાં સ્થિર થઈને રહે છે તે પ્રિય પામી સુખ માનતો નથી, અપ્રિય પામી દુઃખ માનતો નથી. ૨૦.

બાહ્ય વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનંદ ભોગવે છે તે અક્ષય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ અનુભવે છે. ૨૧.

નોંધ : જે અંતર્મુખ થયો છે તે જ ઈશ્વરસાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત્ત રહી કર્મ કરવાં અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દૃષ્ટિ છે - એક જ સિક્કાનાં બે પાસાં છે.

૬૨