પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષયજન્ય ભોગો અવશ્ય દુઃખોનું કારણ છે. હે કૌન્તેય ! તે આદિ અને અંતવાળા છે. સમજુ મનુષ્ય એમાં ન રાચે. ૨૨.

શરીર છૂટે તે પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધના વેગને આ દેહે-આ ભવે જ જેરવવાની શક્તિ મેળવે છે તે સમત્વને પામ્યો છે, તે સુખી છે. ૨૩.

નોંધ : મૃત શરીરને જેમ ઇચ્છા કે દ્વેષ નથી હોતાં, સુખદુઃખ નથી હોતાં તેમ જે જીવતો છતાં મૃતસમાન જડભરતની જેમ દેહાતીત રહી શકે તે આ જગતમાં જીત્યો છે અને તે ખરું આત્મસુખ જાણે છે.

જેને અંતરનો આનંદ છે, જેને અંતરમાં શાંતિ છે, જેને અંતર્જ્ઞાન થયું છે તે યોગી બ્રહ્મરૂપ બની બ્રહ્મનિર્વાણ પામે છે. ૨૪.

જેમનાં પાપ નાશ પામ્યાં છે, જેમની શંકા-દુવિધાઓ શમી ગઈ છે, જેમણે મન ઉપર કાબૂ મેળવ્યો છે, અને જેઓ પ્રાણીમાત્રના હિતમાં જ પરોવાયેલા રહે છે એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે. ૨૫.

૬૩