પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દયા આવે છે.
૧૨૧
 


ચાઊસના ખોળામાં ખેલતો ત્યારથી “ચચા” શબ્દે સંબોધતો : “ચચા, માલુજીભાઈને કેમ છે ?”

“અચ્છા હૈ. બદન ઠંડા હૈ — હાં, ઠીક હૈ — નીંદ કર રહા હૈ —”

આગલા દિવસથી માલુજી નીંદ જ કરી રહેલ છે તેમ એનું શરીર ઠંડું છે, એ સમાચારથી શિવરાજ વહેમાયો. એ માલુજીની પથારી પાસે ગયો. માલુજી જીવનની નીંદમાં નહોતા, મૃત્યુના ઘારણે ઘોટેલા હતા. એ કાંઈ નસકોરાંની બંસી નહોતી બોલતી, ગળાનો હરડિયો આખરી બુમરાણ બોલાવતો હતો.

“ચચા !” શિવરાજે બૂઢા ચાઉસની સામે માથું ધુણાવ્યું. હાથ માલુજીના કાંડાની નાડ પર હતો. “ચચા, માલુજીની આખરી નીંદ છે આ તો.”

ચાઊસે જોયું કે જોડી તૂટી ગઈ. બાળક જેવો ચાઊસ કશું બોલી ન શક્યો. જલભરી આંખે એ ત્યાંથી ખસી ગયો ને બાજુના ખંડમાં જઈ એણે ફાતિહા પઢવા માંડ્યું.

માલુજીના શબને સ્મશાનમાં આગ મૂકીને પછી શિવરાજ સૌના કહેવાથી પાછો ફર્યો. એના ગમગીન અંતરમાં એક પ્રકારની રાહત હતી : બાપુની પાછળ તલસી તલસી બાપડા જીવ કેટલાંય વર્ષો સુધી પીડા પામત. તે કરતાં શાંતિથી છૂટી ગયા. મારે તો છત્ર ગયું, પણ એનો આત્મા ઠેકાણે પડ્યો.

ઉપર પ્રમાણેના શબ્દો શિવરાજના તાળવામાં ગોઠવાતા હતા. એ શબ્દો એના ગળામાં ચૂંટાતા હતા. શા માટે એ ઘૂંટી રહ્યો હતો ? કોઈક બીજા શબ્દોને બોલતા રોકવા માટે. એ બીજા શબ્દો ટૂંકા જ હતા : ‘હું બચી ગયો.’

સાંજે બાગના મોરલા કળેળ્યા એટલે શિવરાજે જાણ્યું કે પિતાપુત્રી આવી પહોંચ્યાં. પણ આવનાર એકલા પંડિતસાહેબ જ હતા. માલુજીનો ખરખરો કરીને પંડિતસાહેબે સરસ્વતીના ન આવવાનું કારણ સમજાવ્યું :

“એણે તમને ઘણાં આશ્વાસન કહેવરાવેલ છે. એ તો આજે ઘેરાઈ ગયેલ છે. પેલી ખેડૂતની છોકરી બાળહત્યાના કેસમાં પકડાઈ છે તેનો બચાવ કરવાનો મોટો કોલાહલ આખા શહેરમાં ઊઠ્યો છે. ગામનાં સ્ત્રીપુરુષોનું એક ડેપ્યુટેશન સરસ્વતી પાસે પહોંચ્યું છે. સરસ્વતીને ખૂબ પુષ્પો ચડાવી રહ્યા છે : તમે આ બાઈને બચાવો : આ કેસ છોટાસાહેબે જ ચલાવવો જોઈએ : છોટાસાહેબ એક તમારું જ કહ્યું માનશે !”

શિવરાજનું મોં લચેલ આંબાડાળ જેવું નીચું ઢળ્યું, પણ તુરત એણે પંડિતસાહેબના નવા શબ્દો સાંભળ્યા : “ને બીજી તૈયારી એ ખેડુની છોકરીના અપરાધના સાચા જવાબદાર પુરુષનો પત્તો લગાવવાની ચાલે છે.”

શિવરાજ હેબતાયો.

“પણ કાયદો એ પુરુષને તો અપરાધી ઠરાવી જ નથી શકતો ને !" શિવરાજ આ શબ્દો બોલ્યો ત્યારે એના દાંતની ડાકલી વાગી. એના લલાટે સ્વેદનું ઝૂમખું બાઝ્યું.

“એ તો મેં સરસ્વતીને સમજાવ્યું. પણ બધા લોકોની તેમ જ સરસ્વતીની જીદ છે, કે કાયદો ભલે કશું ન કરી શકે, એ દુષ્ટને અમે દુનિયાની દેવડીએ નૈતિક સજા અપાવીશું — વગેરે વગેરે ભાંજગડમાં સરસ્વતી તો પડી ગઈ છે. અને તમારી પાસે એ ગામના ડેપ્યુટેશનને લઈને કાલ સવારે વિનંતી કરનાર છે કે અદાલતમાં આ કેસપર તમે જ બેસો.”

શિવરાજ નિઃશબ્દ રહ્યો. પંડિતસાહેબે વાતવાતમાં કહ્યું : “લોકોને તો વહેમ પડ્યો છે તે ભાઈનું નામ સાંભળતાં તમે ચમકશો.”