લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
૧૩૫
 


હતી. પ્રોસિક્યૂટર એના તરફ પોતાના કાન ઢાળતો હતો ને મર્મપ્રહાર કરતો હતો.

“જરા જોરથી બોલો, બાઈ; આપણે ક્યાં રાણીવાસના ઓઝલ પરદામાં રહેનારાં છીએ ! આપણે તો ખેતરમાં ઢોર હાંકવાં પડે, કજિયા કરવા પડે, આપણા સાદ, તો સરવા જ હોય. શરમાવ માં.”

પ્રોસિક્યૂટરની આ શબ્દ-ચંટીઓ તો બાઈ નહોતી સમજતી, પણ પ્રોસિક્યૂટરનો કરડો ઘોઘરો અવાજ એને હેબતાવી દેતો. રામભાઈ અને મૃદુ વાણીમાં કહેતો કે, “ડોશીમા, બીઓ મા, જોરથી બોલો. કોરટ તો આપણાં માવતર છે. એ તમારી રક્ષા કરશે.”

પણ શિવરાજ જોઈ શક્યો કે ડોશીની આંખોમાં ડર હતો — આ અદાલતનો નહીં; કોઈ બીજી, ઊંચેરી અદાલતનો. ખૂબ ડચકાં ખાતાં ખાતાં એણે રામભાઈને જવાબ દીધો કે, અજવાળી ઘરે આવી તે ક્ષણથી કાંથડ હવાલદાર એને તેડી ગયો તે ઘડી સુધી એણે ઘરની બહાર પગલું નથી દીધું.

“તમારે ઘેર એ હતી ત્યારે તમે એને રાતદિવસ જોતાં જ રહેતાં કે ?”

“હા, માવતર ! રાતે સૌ છેલ્લી એને જ અને ભળકડે સૌ પેલી પણ એને જ હું જોતી.”

“અને અજવાળી કહે છે તેથી જુદું તમે કશું જ નથી જાણતાં ? એને છોકરું હતું જ નહીં તો એ મારી કોને નાખે ? ખરું ?”

“ખરું સા’બ.”

બોલતી બોલતી એની આંખો ન્યાયમૂર્તિ પ્રત્યે દયામણી દૃષ્ટિ ઠેરવતી હતી – જાણે પોતે જૂઠ બોલતી હોવાનું કબૂલ કરતી હતી. જાણે પોતે ગુપ્ત આજીજી કરતી હતી કે, “બાપુ, પેટની દીકરીને બચાવવા.”

“મા!” શિવરાજનું ભીતર પુકારતું હતું : “તમારે સ્થાને હું હોઉં તો હુંયે એમ જ કરું.”

“અને આ પ્રોસિક્યૂટરસાહેબ સવારે કહેતા હતા, કે તમારી દીકરી અજવાળી તો ભાગેડુ પ્રકૃતિની હતી, કાંઈ કારણ વગર ઘરમાંથી ભાગી ગઈ હતી, એ વાતમાં કાંઈ સત્ય છે ?”

“ના રે, માવતર ! મારી અંજુડી તો ભોળી ભદ્રિક છોકરી છે. બોલે એનું મોઢું ગંધાય; એને ઠાકર પૂછશે.”

“આ અજવાળી તમારા ધણીની સગી છોડી છે કે ?”

“ના સા’બ, સાવકી છોડી.”

“એ અજવાળી ઉપર બહુ વધુ પડતી કરડાઈ રાખતો, ખરું ને ?”

“બઉ તો શું, સા’બ ! પણ ઈમ કે ઠીક, નૈ બઉ ને નૈ થોડું…” બાઈ પોતાના રાક્ષસ ધણીનો પણ દોષ ગાવા રાજી નહોતી.

“એમ નહીં, ગભરાવ મા, ડોશીમા ! આ તો તમારી છોકરીની આખી જિંદગી ઉપર છીણી મુકાઈ જાય તેવો મામલો છે. માટે ચોખેચોખું બોલી દો. અજવાળીએ ઘર છોડ્યું તે રાતે શી શી બીના બનેલી ?”

ચોમેર જોતે જોતે, હાય, કોઈ જોઈ કે સાંભળી જશે એવા ગભરાટ સાથે એણે એ રાત્રિનું વર્ણન કર્યું, ને શિવરાજ ઊંચે જોવાની હામ ન ભીડી શક્યો. પ્રેક્ષકોએ માન્યું કે સાહેબ શબ્દેશબ્દ જુબાની હૈયા વચાળે ગોઠવે છે. કેવો ન્યાય કરનારો !