પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
અપરાધી
 


બુઢ્‌ઢોં કી ભી વો તો મા હી દિખલાતી થી. વો જવાનીભર બસ જઇફ થી, ઔર યે લડકા જૈફી મેં ભી બચ્ચા હી રહેગા — હા — હા —હા — હા” ડોસો કોઈ મહાન તત્વ ખોળી કાઢ્યું હોય તેવો ગર્વિષ્ઠ બનીને હસતો.

ડોસાએ મરહૂમ સાહેબનો લખવા-વાંચવાનો ખંડ અદલ જેવો સુજાનગઢમાં હતો તેવો જ અહીં પણ સજાવ્યો હતો. શિવરાજના ઓરડામાં પણ ત્યાં હતી તે જ ઠેકાણે માતાની તસવીર ગોઠવી હતી. સવારસાંજની બંદગી ખતમ થયા બાદ ધ્રૂજતા હાથમાં લોબાનનું ધૂપિયું લઈને એ બેઉ ઓરડામાં ધૂપ દેતો. ચાઊસ શિવરાજની સામે ધૂપિયું ધરી રાખતો અને ક્યારેક ક્યારેક, એ શિવરાજને ચુપકીદીથી કહેતો : “બાબા આયે થે કલ શામકો.” “મા આઈ થી, ઔર યાદ દેતી થી — વહ તાવીજ સમાલનેકી.”

આર્યસમાજી પિતાનો અંગ્રેજી ભણેલો નૂતનયુગી પુત્ર ચાઊસની આ વહેમીલી વાતોને અંદરખાનેથી હસતો. પણ આજે ‘તાવીજ’ શબ્દ કાને પડતાં એ ચમકી ઊઠ્યો. માતાએ આપેલું ને માલુજીએ જતન કરી એની ભુજા પર બાંધેલું એ માદળિયું ક્યાં હતું ? યાદ આવ્યું : અજવાળીની વિદાય-રાત્રિએ માલુજીએ પોતાને હાથેથી છોડીને એ અજવાળીને હાથે બાંધ્યું હતું. અદાલતમાં એ માદળિયું અજવાળીની ભૂજા પર હતું ? કે જેલરે છોડી લીધું હતું ? સરત નહોતી રહી. ચાઊસને ક્યાંથી માલૂમ હોઈ શકે એ વાત ? મા ખરેખર શું આવ્યાં હશે ? પ્રેતસૃષ્ટિ શું સાચી હશે ? તો તો માએ જોયું હશે કે એ માદળિયાની કેવી દશા થઈ છે ?

વળતી રાત કાળાં ઘોર મંથનોમાં વીતી, અને પ્રભાતે ચાઊસે આવીને કહ્યું: “બાબા આયે થે.”

ચાઊસની આ બેવકૂફીને ચૂપ કરી દેવા શિવરાજ તત્પર બન્યો ત્યાં તો ચાઊસે નાકે આંગળી મૂકી સત્તાવાહી શબ્દ કહ્યું : “ઔર બોલ ગયે : ક્યા બોલે માલૂમ ? હાં ! સૂનો ! વે બોલે કિ, ચાઊસ, બચ્ચાકો કહના, ઐસી બેવકૂફી કભી ન કરે, મર્દ બને.”

કઈ બેવકૂફી ! શિવરાજ ચોંક્યો. ગઈ રાતનો કાળો મનસૂબો ચાઊસને કોણે કહ્યો હોય ? પિતાજીના બોલ બંધબેસતા હતા. આખી રાત શિવરાજે આત્મહત્યા વિચારી હતી.

જિંદગીમાં જીવવા સરીખું બાકી શું રહ્યું હતું ? પોતાના કમોતથી આખી રહસ્યકથાને બહાર પડવા બારી મળે, પોતે આખા અપરાધનો એકરાર એક કાગળ પર મૂકી જાય, એકરાર અદાલતમાં વંચાય, પોતાના પ્રત્યેની ઘૃણામાંથી અજવાળી પ્રત્યે અધિક દયા જન્મ પામે — એવા મનસૂબાની કડીઓ શિવરાજે સારી રાત બેસીને સાંકળી હતી. એવી બેવકૂફી કરવાની પિતા ના પાડતા હતા. ચાઊસે આંગળી ઊંચી કરી, આંખો તાકી, કદી નહીં બતાવેલો એવો સત્તાવાહી સીનો રાખીને વિશેષ કહ્યું :

“ઔર બોલે, બચ્ચા, ઐસી બેવકૂફી કરનેસે કભી નહીં છૂટેગા, કોઈ ફાયદા નહીં નિકાલેગા, આગમેં ગિર પડેગા, કભી ન નિકલને પાવેગા. બચ્ચાકો જલદી બોલ દો ચાઊસ, નામર્દ કભી ન બને. મર્દાઈસે કામ લેવે, હાં ! બોલ ગયે, માલૂમ ?”

“તુમ વો બાતકા ક્યા માયના સમઝે, ચાઊસચાચા ?” શિવરાજે સકારણ પૂછ્યું. જાણવું હતું કે આ રહસ્યમાં ચાઊસને પિતાના પ્રેતે ક્યાં સુધી શામિલ બનાવેલ છે.

“માયના તો મેં કુછ નહીં સમઝતા, સા’બ. બાબાને ફેરફેર સિર્ફ ઈતના હી કહા, કિ ઐસી બેવકૂફી ન કરે, બોલો લડકાકો, મર્દાઈસે કામ લેના.”

થોડી વાર બેઉએ ચુપકીદી પકડી. ચાઊસે શિર ઝુકાવ્યું; બોલતો બોલતો ચાલ્યો