પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
અપરાધી
 

ધનોતપનોત કાઢી નાખશે, હું નો’તો કહેતો ? અમે ત્રીસ ત્રીસ વરસથી શું હજામત કરીએ છીએ ? અમે શું એજન્સીના ગધેડા છીએ ?”

થાણદારનાં આવી મતલબનો સુવર્ણ-સૂત્રોને ફાટફાટ હાસ્ય વડે વધાવનારાઓ – એ શિવરાજની સખતાઈના ભોગ થઈ ગયેલા વકીલો – પણ ત્યાં વિસ્મય પ્રકટ કરવા લાગ્યા કે કાયદાનું જ્ઞાન પણ એનું કેટલું બધું છીછરું હતું ! એને રૂલિંગ આપતાંય નહોતું આવડતું.

“અરે, ડફોળ છે ડફોળ !” થાણદારનો એ છેલ્લો ફટકો હતો.

સૌ મોડી રાતે વીખરાયાં. વળતાં દિવસે અદાલતમાં થનાર ‘જલસા’માં વખતસર પહોંચી શકવા માટે તેમણે ઘણાએ પરસ્પર ખાસ ચીવટ રાખી ઊઠવાની ભલામણો કરી. ચા સૌએ સાથે મળીને મિલવાળા શેઠને ઘેર પીવાનું ઠરાવ્યું.

૪૧. મારું સ્થાન

પંડિતસાહેબ રાજકોટ પહોંચ્યા ત્યારે અરધી રાત વીતી ગઈ હતી. સરસ્વતી જાગતી. હતી. એની ઓરડીમાં આસમાની રંગનો દીવો શીતળ પ્રકાશે બળતો હતો.

સરસ્વતી બહાર આવી. મોટરમાંથી પિતાજી સાથે કોઈક નીકળશે એવી એના અંતરમાં મીઠી ધાસ્તી હતી. રાજકોટમાં ફેલાઈ ગયેલા તારસમાચારથી એ વાકેફ હતી. પિતાજી શિવરાજને મનાવીને ઘેર તેડી લાવશે એ એને આશા હતી ને ફાળ હતી. બાપુને એકલા ઊતરેલા જોઈને એનું મન રાહત પામ્યું, ડર પણ પામ્યું.

બોલ્યાચાલ્યા વિના બાપુ પોતાના ખંડમાં ગયા. સરસ્વતી પાણીનું નિમિત્ત કાઢીને બાપુ પાસે ગઈ. પંડિતસાહેબના મોં પર ગુસ્સાની થેથર હતી.

સરસ્વતી સાડીને માથા પર ખેંચીને ઊભી રહી.

“બડો હરામી ! બડો ભયંકર !”

“શું છે, બાપુજી ?”

“એ કુકર્મીને બચાવવા મેં થોડી મહેનત કરી છે ? આખરે એના પાપે જ એને પૂરો કર્યો. ઠીક થયું.”

“વાત સાચી, બાપુજી ?”

“હા બસ, ન જ માન્યો; જવા દે જહન્નમની ખાડમાં.”

“પણ થયું શું ?”

“બસ, સતવાદી હરિશ્ચંદ્ર બની ગયો ! તું સાચું કહેતી હતી, બેટા ! હું નાહકનો એની પાછળ ખુવાર મળતો હતો. તેં એને ધક્કો મારી દીધો જ ઠીક થયું.”

બાપે આખી વાત દીકરીને કહી સંભળાવી. સરસ્વતીની આંખોમાં પ્રથમ તો પાણી છલકી ઊઠ્યાં ને પછી એના મોં પર મગરૂબીભર્યું હાસ્ય પ્રકટ થયું.

“સૂઓ હવે નિરાંતે, દીકરી ! એનાં કર્યાં એ ભોગવશે. આપણે ને એને હવે શું ?”

“એમ કંઈ હોય, બાપુજી ?”

“એટલે ?” પિતા ચમક્યા.

“એટલે કે મારું સ્થાન તો એમની બાજુએ જ હોય.”