પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
અપરાધી
 


સરસ્વતીએ સાડી સંકોડી માથું ઢાંક્યું, પિતાથી એ બીજી દિશામાં જોઈ ગઈ,

“ઈશ્વરની સાક્ષીએ —” , એટલાજ શબ્દો એનાથી બોલી શકાયા.

પંડિતસાહેબ પાછા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. ત્યાંથી એણે ઘોડાના ડાબલા સાંભળ્યા. એક ભાડૂતી ઘોડાગાડી ચોગાનમા દાખલ થઈ ગઈ.

“પાછી લઈ જા, પાછી !” ડેપ્યુટીએ હાકમારી, “કોઈ નથી આવવાનું.”

ગાડી પાછી ચાલી ગઈ, પંડિત સરસ્વતીના શાંત પડવાની રાહ જોઈ બેઠા, થોડીવારે એણે સરસ્વતીને બેગ ઊંચકીને બહાર જતી જોઈ.

“સરસ્વતી ! સરસ્વતી ! સરુ ! દીકરી ! આમ તો જો. વાત કહું.”

પિતાના એ અવાજમાં રોષ અને કરુણાના આરોહ અવરોહ સાંભળતી સરસ્વતી પાછળ નજર પણ કર્યા વગર ચાલી નીકળી.

હજુ પરોઢ હતું. હાથમાં બે જોડ કપડાંની બેગ લઈને ફૂટપાથ પર ચાલી જતી સરસ્વતીને કોઈ દૂધવાળા ગવલી, કોઈ પાંઉરોટીનો સુંડલો ખેંચી જતા ભઠિયારા, તો કોઈ ઈંડાં વેચનારા મુરઘીવાળા સામા મળતા હતા. આગગાડીના લેવલ ક્રોસિંગ પર છાપરીમાં ઊભેલા સાંધાવાળાઓએ કોઈ મુસાફર માન્યું. પોલીસે કોઈ મહેતીજી માની.

બે કલાક એને જુદે જુદે રસ્તે ભટકવું પડ્યું હશે. બાપુજીના સંસારમાં શૂન્યતાના હાહાકારો ભળાવીને પોતે ઘર છોડ્યું છે એ વેદના પોતાની કિંમત પૂરેપૂરી વસૂલ કરતી હતી. શિવરાજનું ઘર માંડવાનો સંભવ એને પોતાની જ ઠેકડી જેવો લાગી ગયો. એક જ લાગણી કબજો લઈ બેઠી : જ્યાં એ ત્યાં હું : વધુ ભલે નહીં, એને ખબર પડી જવી જોઈએ કે હું એની બાજુમાં જ છું. હું એની વાટ જોઉં છું. હું એની જ છું એ ખાતરીના આધારે શિવરાજ કેદના દિવસો કાપશે.

સેન્ટ્રલ જેલના દરવાજા બહારના પહેરેગીરોને સલામી આપતા સરસ્વતીએ દૂર રહીને દીઠા. લાગ્યું કે સુપરિન્ટેન્ડેન્ટ આવી ગયા છે. બેગ લઈને એ જેલ તરફ ચાલી, ઓફિસની બારીએ આવી. સિપાઈઓ સરસ્વતીને ઓળખતા હતા. હેડ કોન્સ્ટેબલે ઊભા થઈને સલામ કરી. સરસ્વતીએ અવાજ કાઢીને કહ્યું : “સુપરિટનસા’બકો બોલો, એક ઓરત મિલને ચાહતી હૈ.”

એ પ્રવાહી સ્વરો ઓફિસની અંદર પહોંચ્યા. સુપરિન્ટેન્ડેન્ટ એક પંજાબી આઈ. એમ. એસ. હતા. એમના કાન ઊંચા થયા. એણે બારીમાંથી નજર કરી : “હેલો ! હેલો ! આઈયે !” એણે સરસ્વતીને ઓળખીને અંદર લેવરાવી. “પપા કો કહાં છોડ આયે ? અકેલે ક્યોં ? કિસીકી મુલાકાત કરને કો ?”

“નહીં જી.”

“તો ક્યા જેલ દેખને કે લિયે ?”

“જી, નહીં.”

“તો ફિર ? ઈતની સબેરમેં ક્યા બેસબબ આયે ?”

“નૌકરી ચાહતી હું.”

“નૌકરી ! આપ ! હસતે હો જી ? ઈતના પઢકર ક્યા જેલકી નોકરી ?”

“આપકી ઓરત-બરાકમેં લેડી-વોર્ડર કી જગા કર દેંગે ? મૈં નર્સિંગ જાનતી હૂં.”

“ક્યા કહેતે હો જી, મિસ સરસ્વતી ?” દાઢીવાળો શીખ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની રોશનીભરી આંખે સરસ્વતીના વિષાદઘેરા છતાં પૌરુષવંતા વદન પર ટગરટગર જોઈ રહ્યો.