પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળી
૨૧
 


એના હાથમાં ખરપિયો હતો, ખરપિયાના દાંતા અને ખેડૂતના દાંત એકબીજા સાથે સરસાઈ કરતા હતા. કોઈ ઊંંચા કોટની દીવાલ ધસી પડે તેમ ખેડુ ધસ્યો — પણ શિવરાજ ન ખસ્યો.

ખેડુએ શિવરાજની પછવાડે ઓથ લઈ ઊભેલી છોકરીને ઝાલવા ઝપટ કરી, શિવરાજ પડખું મરડીને ખેડુની સામે ઊભો; એના હાથ પહોળા થયા.

છોકરીની મા દૂર ઊભી ઊભી હાથ જોડતી હતી : “એ કુંભાર, તારે પગે પડું, મારી છોકરીને માથે હાથ ઉપાડ મા !”

“ખસી જાવ, શેઠ.” ખેડુએ શિવરાજની સામે ડોળા ફાડ્યા.

“એમ કાંઈ ખસાય ?”

“કાં, ભાઈ ? કેમ ન ખસાય ? તારે ને એને કાંઈ…”

“જીભ સંભાળો.” શિવરાજ કડક બન્યો.

“નીકર ?”

“નીકર જો આમ…” કહેતાં જ શિવરાજે ખેડુના હાથમાંથી અખાડી દાવની નાજુક ચાવી વડે ખરપિયો સેરવી લીધો. ખેડુ ખસિયાણો પડ્યો.

“મારી છોકરી છે.”

“એટલે ?”

“ચા’ય તે કરીશ, કટકા કરીશ.”

“પછી ચહાય તે કરજો; અત્યારે તો એણે મારો ઓથ લીધો છે.”

“એ-હેં-હેં-હેં!” ખેડુએ બળનું શરણ છોડીને મેલો દાવ માંડ્યો, “આ બધું ક્યારથી, હેં રાંડ ?”

પોતાની ઓરત તરફ ફરીને બોલ્યો : “તારી છોકરીને આ નવો ઓથ ક્યારથી જડી ગયો ? મને તો વાતેય ન કરી !”

પછી પોતે શિવરાજ તરફ ફર્યો : “ઊજળાં લૂગડાં પે’રીને આવું આચરણ કરો છો કે, મે’રબાન ? મને પ્રથમથી જ કહી દીધું હોત તો હું શા સારુ તમને વતાવત ? ઠીક-ઠીક-ઠીક !”

“શું ઠીક, બેવકૂફ ?”

“બધું જ ઠીક, ઠીક, ઠીક ! બહાદર જુવાન, જાવ; હવે હું તમારું માણસ ગણીને એ છોકરીને કે’દીય કાંઈ નહીં કહું !”

એટલું બોલીને એ વિકરાળ માણસ, પોતાના મોં ઉપર સાપનાં બચળાં જેવી કરચલીઓ નચાવતો નચાવતો, ખળામાં જઈ કામે લાગી પડ્યો.

શિવરાજ મૂંઝવણમાં પડ્યો. ખેડુની વિદ્યા જીતી ગઈ. એનાથી ન ચલાયું, ન ઊભા રહેવાયું.

“અરે રામ !” ખેડુની ઓરતે હાથ જોડ્યા: જાવ, બાપા, તમને આબરૂદારને એ રોયો નહીં પોગવા દિયે; ને મારી અંજુડીના પ્રાલબધમાં તો આ નત્યની વાત છે.”

જતો જતો શિવરાજ પૂછ્યા વિના ન રહી શક્યો : “બાપ થઈને આટલો નફ્ફટ !”

“આ દીકરીનો બાપ ઈ નથી, ભાઈ!”

“ત્યારે ?”

“આ તો મારા આગલા ઘરની છોડી છે.”