પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારી બિડાઈ ગઈ
૨૩
 

આશરો આપેલો. મા’રાજના પગ ઝાલીને કહું છું.”

“પગ ઝાલવાની વાત પછી. પહેલાં ચડત ફારમની તજવીજ કર; છોકરીને વટાવ.”

“છોકરીને કોણ રાખશે ?”

“ખેડ્યમાં જેને જેને માણસની ખેંચ પડતી હશે તેવા ઘણાય રાખશે. તમારે ખેડુને છોકરી ક્યાં ધણી સાથે પરણે છે ? એ તો પરણે છે ખેડ સાથે.”

પહેલાં વાઘો હસ્યો. પછી મહારાજે મોં મલકાવ્યું. બંનેએ જુદી જુદી રીતે પણ એક જ પ્રકારનો સંતોષ લીધો.

“છોકરી મારા કાબૂમાં નથી.”

“શું છે ?”

“તમારે છપાવવા જેવું છે.”

મહારાજના કાન સરવા બન્યા. અને વાઘાએ સવારે બનેલો બનાવ કહી સંભળાવ્યો. “એક જુવાન ! કોણ ? કેવો પહેરવેશ ? કેટલી ઊંચાઈ ? ક્યાંથી આવતો હતો ? કઈ તરફ ગયો ?”… પૂછપરછ કરીને મહારાજે તાંતણા મેળવ્યા.

શિવરાજનું નામ હાથમાં આવ્યાથી એમને જે હર્ષ થયો તેના બદલામાં એણે વાઘા ખેડૂતના ચડત ફારમનો તગાદો કરવો ત્યજી દીધો. ને તે રાત્રિએ પોતાનાં પત્નીને પણ એમણે '‘વાઘરણ’, ‘ફૂવડ’, ‘કુંભારજા’ જેવાં રોજિંદાં સંબોધન કરવાને બદલે લહેરથી બોલાવ્યાં : “કાં ! કેમ છો ગોરાણી ?”

૭. બારી બિડાઈ ગઈ

“સરસ્વતી !” શિવરાજથી બોલાઈ ગયું, બોલ્યા પછી એ છોભીલો પડ્યો.

બે વર્ષ વહી ગયાં હતાં. આ અનુભવ નવો હતો. ડેપ્યુટીસાહેબના મકાન પાસેથી એ રોજ નીકળતો ને રોજ રાહ જોતો હતો કે ઉનાળાની લાંબી રજાઓ ક્યારે આવશે ? મકાનમાં નેવાં નીચે કબૂતરો તરણાં ગૂંથતાં હતાં, ને ચકલાંની ચાંચો માળા નાખતી હતી. ‘ચૈત્ર-વૈશાખ ચાલ્યા આવે છે : છાંયો દેખીને બેસી જાઓ : ઘર કરી લ્યો : જલદી વિસામો શોધી લ્યો !’ એવી એવી પંખીવાણીનો એ ફાગણ મહિનો હતો. ગુલમોરનાં ઝાડવાં પાન ખેરીને પુષ્પોને ધારણ કરી રહ્યાં હતાં. પણ હજુ એ મકાનની મેડીની એક બાજુની નાની ઓરડીની જાળી ઊઘડી નહોતી; હજુ એને કાંઈ ઝાડઝૂડ પણ થતી નહોતી. શિવરાજની ઉત્સુકતા હજુ લાંબી મુદત નાખી રહી હતી. પણ આજે એણે ઓચિંતી નજર નાખી તો ઉઘાડી બારી પર સરસ્વતી ઊભી હતી.

એણે ‘સરસ્વતી !’ ઉદ્‌ગાર કાઢ્યો, તેની વળતી જ ક્ષણે બારી બિડાઈ ગઈ.

બારી શા માટે બિડાઈ ગઈ ? શિવરાજનું દિલ કોઈ એક ઘરના આંગણા જેવું બની ગયું. વિચાર-પારેવાં ત્યાં ટોળે વળીને ચણ ચણવા લાગ્યાં.

સરસ્વતીએ મારું કાંઈ હીણું સાંભળ્યું હશે ? એને કોઈ ચાહનારું જડી ગયું હશે ? એનો ગુમ થયેલો ભાઈ પાછો આવ્યો હશે ? એનો સ્નેહ એ ગેરહાજર ભાઈની અવેજીમાં જ શું મારા પર ઢળ્યો હતો ? એ પ્રેમને એનો પોતાનો જ સ્વતંત્ર પાયો નહોતો શું ?

બંધ થયેલી બારી સામે ઊભા રહેવું શરમભર્યું હતું. ચાલતાં ચાલતાં એણે ગુસ્સો