કર્યો : નથી જોવું એ બારી સામે. જે બારી ફાવે ત્યારે ઊઘડે ને ફાવે ત્યારે બિડાય,
પોતાની ક્રિયાનું કશું કારણ ન બતાવે અને ઉપર જાતી પાછી જોશથી બારણાં ભભડાવીને માથામાં અપરાધનો ટોણો મારતી હોય, તે બારી જીવતરમાં ન ઊઘડો ! — ન ઊઘડો !
એ જ ભલું.
પણ જુવાન માણસનું જ્ઞાન કોઈ સ્ટોપર વિનાના કમાડ જેવું છે : પવનના ઝપાટા એને બંને બાજુ ધકાવે છે. શિવરાજ થોભ્યો; એણે ફરીથી બારી સામે નજર કરી : બંધ બારી મોં-માથા વિનાની ચુડેલ જેવી લાગી.
“કેમ, ભાઈ !” પટાવાળો અજાણ્યો હતો : “ત્યાં શું ટરપરટોયાં મારો છો ?”
“કેમ, ભાઈ,” શિવરાજે સામે પૂછ્યું: “રસ્તા ઉપર ઊભા રહેવું એ ગુનો છે તમારા સાહેબનો ?” અને મનમાં ઉમેર્યું : “—ને તમારા સાહેબની દીકરી સરસ્વતીબાઈનો ?”
“કાયદો જાણતા લાગો છો !” આજકાલના સરકારી-દરબારી નોકરોને મન પ્રિય સૂત્ર થઈ પડેલો આ પ્રશ્ન ડેપ્યુટીના પટાવાળાની જબાન પર પણ વગરશીખવ્યો ચડી ગયો.
“તું પરીક્ષક નથી, એટલે મને નાપાસ કરી શકે છે. વાત છે તારી !”
શિવરાજે એ પટાવાળાને, આગળ ઉપર વકીલ બનીને એની ખબર લઈ નાખવા માટે, ઘડીભર આંખોના ચીપિયામાં દબાવી રાખ્યો.
“તારો પટાનો નંબર શું છે ?”
“નંબર નોંધી રાખવો છે ?” કહીને પટાવાળો સામો ચાલ્યો : “નંબર છે આ પાંચ આંગળાનો; હમણાં એક અડબોત ભેગો ગાલને માથે છપાઈ જાશે નંબર !”
વાઘા ખેડૂતને ડારનાર શિવરાજ આ ચપરાસીનું પાણી માપતાં વાર ન લગાડત. પણ એકાએક બીજી બાજુનું બારણું ઊઘડ્યું ને સરસ્વતી પ્રગટ થઈ. શિવરાજ શ્યામ બન્યો. પટાવાળા જેવા પોતાની વડ્ય વગરના માણસ સાથે એક પાકવા આવેલા વકીલનો ઝઘડો એ ગર્વિષ્ઠ પ્રેમીજન — તે પણ પાછી એક કન્યા — જોઈ જાય એ વાત પર જેને નફરત ન આવે તે પુરુષ શાનો !
મર્દાઈ એક મહા કરડી વસ્તુ છે. એને ઉપાસનારો પગલે ને પગલે વિમાસણ પામે છે. એને સો જણા હજાર ગાળો ને અપમાન આપી જાય; એમાંની એકની પણ જો એ વસૂલાત કરવા રોકાય તો લોકો કહેશે કે, “અરે ભાઈ, તમારા જેવા સશક્ત અને સમજુ માણસ આવી હલકી પાયરીએ ઊતરે છે ?” એમાંય જો કોઈ રેલગાડીમાં ડાકણ જેવી એકાદ ઓરતનાં પનારાં પડી જાય, તો તો પછી છેલ્લા સ્ટેશન સુધી મર્દાઈનાં પીંછડાં જ પીંખાતાં આવે. ન દલીલ, ન અપીલ, ન રાવ, ન રાહત : ‘અરે મિસ્તર, તમે ઊઠીને એક બાઈમાણસની સાથે…’ — એ એક જ ઠપકાની વાવાઝડી, અને ઠપકો દેનારાઓ પોતાની સગી બાયડીઓને પાછા રાતે ઘેર જઈ ગાળોની તડાપીટ કરનારા હોય છે.
“આ મે’રબાન કાયદાબાજ આપણા બંગલાની પાસે ટરપરટોયાં મારતા’તા, બાઈ ! ને ઉપર જાતા કજિયો કરવા આવે છે !” પટાવાળાએ શિવરાજને વધુ પામર બનાવ્યો.
સરસ્વતીએ શિવરાજને જ સીધું, સ્મિતનાં ગુલાબો વેરતાં વેરતાં કહ્યું : “આવવું છે અંદર ?”
પટાવાળાના મોં પરથી રામ ગયા.
ને શિવરાજે પણ પોતાનો તેજોવધ અનુભવ્યો : હજુ તો પૂછે છે — “આવવું છે