પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨. ‘જાગતા સૂજો !’'

શિવરાજને જોતાં જ એ ઓરત પાછી ફરી ગઈ. એણે ચાલવા માંડ્યું… એના પગ વેગ પકડવા લાગ્યા. એ જાણે શિવરાજથી જ ડરીને નાસતી હતી; કેમ કે ત્યાં બીજું કોઈ નહોતું.

છેલ્લી ઘોડાગાડી આગળ થઈ ગઈ હતી. ગાડીવાનના ચસકા હજુ છેટેથી સંભળાતા હતા : “બેસવું છે, એલી એઈ ? બે આના ! એક આનો ! મફત !”

મેળેથી વળેલા લોકોનું વૃંદ પણ એને વટાવી ગયું હતું. તેમનાં મનોરંજન ચારે દિશામાં પડઘા પાડતાં હતાં. રાત્રિ ઝરમર ઝરમર હસતી જાણે આનંદનાં આંસુ ઝેરતી હતી. અંધારી આઠમનો ચાંદો વાદળીઓના જૂથમાંથી નીકળવા ફાંફાં મારતો હતો.

આ કોણ નાસભાગ કરી રહેલ છે ? મારાથી બીનારું કોણ ? શા માટે ફાળ ખાતું ભાગે છે ?… કુતૂહલનો માર્યો શિવરાજ પણ વેગ કરવા લાગ્યો. એના બૂટની પડઘી વાગી. એની ઠેસે આવતા કાંકરા ઊછળી ઊછળીને એ ભાગતી ઓરતના ઓઢણામાં અફળાયા. એણે ખેતર તરફ દોટ મૂકી. શિવરાજ પણ પાછળ દોડ્યો: હાક મારી : “ઊભી રહે.”

“મને — મને — મને મારશો મા !” એવી એક ચીસ પાડીને બાઈ સ્તબ્ધ બની. એના ગદ્‌ગદીત કંઠમાંથી ઠૂઠવો ઊઠ્યો.

“કોણ છે તું ?” કહેતો શિવરાજ પણ હેબતાઈને થોડે છેટે ઊભો રહ્યો.

ઓરતનો ચહેરો ઊંચો થયો. એણે આડા હાથ દીધા — જાણે એને કોઈ મારવા આવતું હતું.

“અજવાળી !” શિવરાજે ઓળખી. અજવાળી પકડાઈ ગયેલા અપરાધી જેવું ખસિયાણું મોઢું લઈ ઊભી થઈ રહી.

“તું આંહીં ક્યાંથી ?” શિવરાજના સ્વરોમાં અજાયબી અને અનુકંપાની કોમળ સા-રી-ગ-મ બોલી.

અજવાળી ન બોલી શકી. એના ગળામાં કોઈએ જાણે સીસું રેડી દીધું હતું.

“ચાલ મારા ભેગી. ડર રાખીશ ના.”

“ક્યાં હાલું ?” અજવાળીએ હીબકાં ભર્યાં.

“તારા બાપને ઘેર.”

“કાઢી મેલી છે.”

“કાઢી મેલી ? શા માટે ?”

“મેળે ગઈ’તી.”

“કહીને નહોતી ગઈ ?”

“કજિયો કરીને ગઈ’તી.”

“ક્યારે આવી ?”

“મોયલી ગાડી ચૂકી; બીજી ગાડીમાં આવવું પડ્યું. બાપે ખડકી ઉઘાડવાની ના પાડી.”

“તારી મા ?”

“માને બાપો કે’કે, ઉઘાડીશ તો મા-દીકરી બેયને ટૂંપો દઈને રાતમાં જ પૂરી કરીશ.”

૩૯