પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘જાગતા સૂજો !’
૪૧
 


બેઠેલી છોકરીઓની છેડતી કરતા હતા. કંઈ કનાં છોગાં, કંઈકનાં છૂટાં ઓડિયાં, અનેક સ્ત્રીઓના પાલવ અને પછેડા, ગળાનાં ને છાતીનાં ફૂમકાં — તમામ ફંગોળે ચડ્યાં હતાં. ચકડોળના ગંજાવર ચક્રની ફુદરડી એ જુવાનિયાંને અંકલાશે ઉપાડી જઈ પાછા પાતાળમાં ફંગોળતી હતી. ગામડિયાંઓની સમગ્ર સૃષ્ટિ ફંગોળે ચડી હતી.

ઘેલાંતૂર ગામડિયાંથી વેગળી એકલી અજવાળી ઊભી હતી. એને કેટલાય જુવાનો પોતાની ભેગાં ચકડોળમાં ચડવા બોલાવતા હતા — પણ એ નહોતી જતી. એ પીઠ ફેરવીને શૂન્યમાં આંખો તાણતી હતી. સીમાડાની અનંત લાંબી રેખા ઉપર કોને શોધી રહી હતી એ આંખો ? કોણ ખોવાયું હતું એનું ?

શિવરાજે એ કલ્પનાદોર સંકેલી લઈને એક સ્નેહીનું ઘર ભભડાવ્યું. અંદર કોઈ નહોતું; તાળું મારેલું હતું. તાળું દેખીને શિવરાજને અંતરના ઊંડાણમાં એક પ્રકારની સુખવ્યથા કેમ થઈ ? તાળાનો સ્પર્શ એને આનંદમય કેમ લાગ્યો ? એને છુટકારાની લાગણી શા માટે જન્મી ?

એ બીજે ઘેર ગયો. સાંકળ ખખડાવી ખરી — પણ ધીરો ખખડાટ કર્યો. શા માટે દ્વારને જોરથી ન ઢંઢોળ્યું ? વરસાદના છાંટા અને ફૂંકાતા પવન-સુસવાટા એની આડે આવ્યા, તે એને મનગમતા મિત્રો લાગ્યા ? ગમે તે થયું, પણ એ વધુ ખખડાટ કર્યા વિના જ પાછો વળ્યો.

એને થયું : “મારા પર જ, ત્યારે તો, છેલ્લે આ ફરજ આવી પડી !”

છેટેથી એણે પોતાની બારીની બત્તી દીઠી. મેડી જાણે કે પોતાના નાક પર આંગળી મૂકીને શિવરાજને “‘ખબરદાર !’ કહેતી હતી. મેડીના તે રાતના રૂપમાં એને કરડાઈ ભાસી. પોતાના અંતરની આ અકળ–અગમ સુખવેદનાનો દોર્યો શિવરાજ પાછો પહોંચ્યો. ખૂબ હળવે તાળામાં ચાવી ફેરવી. તાળું અને ચાવી એના હાથમાં સહેલાઈથી ન ફરી શક્યાં. આંગળીઓ વચ્ચે ચાવી કોઈ ટીડડા જેવી લાગી.

અજવાળીને એણે ફરી વાર નિહાળી. પોતે ગયો ત્યારે બેઠેલી હતી તેવી ને તેવી — તે જ બેઠક : તે જ આસન : ગૂંચળું વળીને બેઠેલી ઉભડક પગ ફરતા હાથ લપેટી લીધેલા : મોં બે ઘૂંટણ વચ્ચે ટેકવેલું : બત્તી સામે તાકીને ધ્યાન ધરી રહેલી.

“એકેય ઘર ન ઊઘડ્યું.” શિવરાજે શ્વાસ હેઠો મૂક્યો.

અજવાળી જરીક સળવળીને પાછી જેમની તેમ સ્થિર બની.

“શું કરશું ?”

અજવાળીએ ઉત્તર ન દીધો.

“આંહીં રહીશ ?”

અજવાળીનું મોં જરાક શિવરાજ તરફ ઊંચું થયું. એની આંખોમાં પ્રશ્નોની પરંપરા હતી. વિસ્મય, ભય અને કૃતજ્ઞતાની એ મોં પર રંગોળી હતી.

એકાએક શિવરાજની નજર ગઈ અજવાળીનું શરીર ધ્રુજતું હતું; દાંતની ડાકલી વાગી રહી હતી.

“તું આટલી કંપે છે કેમ ? અરેરે, આ શું ? તારાં લૂગડાં તો બધાં પાણીમાં લદબદ છે. તું ક્યારની બોલતી કેમ નથી ?”

શિવરાજને સાન આવી કે અજવાળી શું બોલે ? કોને કહે ? કહેવા જેવું પણ શું હતું ? જીવનની જ સાન ગુમ થઈ હતી ત્યાં કપડાંનું ભાન ક્યાંથી રહે ? બાપે બે વર્ષ પર પરણાવીને બીજા જ દિવસથી ફરજિયાત રંડાપો પહેરાવ્યો હતો. માની ગોદ પર બાપની