લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
અપરાધી
 


જેવડી બનેલી દીકરીનો બાવરો બનેલો બુઢ્‌ઢો પિતા પેટના સંતાનની પ્રકૃતિનો પણ આ ગુપ્ત મર્મ હજુ પારખી નથી શક્યો. યુગો ગયા, દીકરીના બાપનું અજ્ઞાન નથી ગયું.

“હમણાં તો સરસ્વતી ખેડૂતોની બાયડીઓને લખતાં-વાંચતાં શીખવે છે.” વૃદ્ધે પુત્રીના ગુણ ગાવાની તક લીધી.

“ના રે ના, બાપુજી,” સરસ્વતીને આ ગુણગાનનો હેતુ અતિ પામર લાગ્યો : “એક જ બાઈ શીખવા આવે છે. મેં કાંઈ વર્ગ ખોલ્યો નથી.”

“એકનો પણ વર્ગ જ કહેવાય !” ડેપ્યુટી પોતાની વાતને વળગી રહ્યા : “મારા ઇન્ટરના વર્ગમાં લોજિક-ફિલોસોફીનો હું એકલો જ વિદ્યાર્થી હતો. અરે, હું ગેરહાજર હોઉં ત્યારે પણ અમારા પ્રોફેસર વર્ગમાં હાજર રહેતા. શરૂઆત હમેશાં એકથી જ થાય છે ને, દીકરી, હા-હા-હા !” ડેપ્યુટીએ પોતાની વાતની પોતે જ ઉડામણી કરવા માંડી, અને પોતાના કૉલેજ-કાળની બીજી પણ ઐતિહાસિક વાતોએ વળગી જઈ, સરરવતીને કે શિવરાજને બોલવાની વેળા જ ન આપી.

બંગલો આવ્યો ત્યારે ત્યાં ગાડી ઊભી હતી. “લ્યો, ભાઈ,” ડેપ્યુટીસાહેબ બોલી ઊઠ્યા, “તમારા બાપુને યાદ કરતાં તો એ આવી પણ પહોંચ્યા ને શું ! લે દીકરી, એ આજથી જ તારું કાંડું સંભાળી લેવા હાજર થયા હા-હા-હા !”

“કેમ, સાહેબ !” ડોસાએ મહેમાન-ડોસાને જોરશોરથી સત્કાર-શબ્દો કહ્યા : “તમે પણ અંતર્યામી લાગો છો ! પણ મારો કરાર નહોતો સાંભળ્યો કે ?”

“શી બાબત ?” દેવનારાયણસિંહનું સદાય હસતું મોં હંમેશાં મોર પગલાં પાડે તેટલી ધીરજથી શબ્દો પાડતું.

“મેં તો એવો કરાર કર્યો છે કે મને જમ તેડી જાય તે પછી જ તમારે સરસ્વતીને તેડી જવી. આજથી લઈ જશો તો કાંઈ તમને ખીચડી કરીને જમાડે તેમ નથી આ છોકરી. એ રોટલી વણતી હોય ત્યારે જોવા જેવું છે, હાં કે ! આખી ભૂગોળ શીખી જવાય. ભૂશિરો, સંયોગીભૂમિઓ, અખાતો અને ખાડીઓના આકારો નીકળી પડે છે એના વેલણમાંથી. પછી એ શું કરે — જાણો છો ? વાટકો ચાંપીને ગોળાકાર કાપે છે. પણ આકાર ગોળ થવાથી કાંઈ તાવડીમાં ફૂલકું થોડું થાય છે ! પછી ખિજાતી ખિજાતી લોટમાં વધુ પાણી ને પાછી પાણીમાં વધુ લોટ નાખતી જે રસોઈ કરે છે, તેને માટે આપના દાંત તૈયાર હોય એમ લાગે છે ?”

સરસ્વતી જવા કરતી હતી.

“ઊભી રહે, ઊભી,” કહીને પિતાએ હાથ ઝાલી થોભાવી : “હજી તારી બધી વાતો કહી દેવી છે. પણ તારી કૂથલી અમારે તારી પીઠ પાછળ નથી કરવી — તારી હાજરીમાં જ કહી લઉં.”

સરસ્વતીમાં અગાઉ કદી જે લજ્જા નહોતી તે જોઈને દેવનારાયણસિંહ દંગ થયા. સરસ્વતી માથાની લટો સરખી કરીને કમ્મર પર સાડી ઢાંકતી નીચે જોઈ ઊભી રહી. એના દિલ પર દેવનારાયણસિંહનું ગંભીર વૃદ્ધત્વ પોતાની નીલ છાયા પાડતું હતું. સરસ્વતી જાણે ગિરિશૃંગની સામે ઊભી હતી. એ પહાડની ટૂક પર સરસ્વતીની નેત્રવાદળીઓ રમવા લાગી.

“હવે આ છોકરીમાં,” પિતા કહેવા લાગ્યા : “તમે શું જોઈ ગયા છો કે એને તેડવા આવ્યા છો ? સાહેબ ! ભણેલું એ ભૂલવા માંડી છે. નથી છાપાં વાંચતી, નથી સરોજિનીદેવીનાં