જીવનમાંથી આવા કોઈ દોષો જોવાની નિસબત નથી. તમારા સ્નેહીને લખી નાખો કે
વેદિયો ન થાય.”
શિવરાજના નૈતિક ભાવનાવાદ પર નવું અજવાળું પડ્યું.
“અને મોટામાં મોટી વાત તો આ છે,” ડેપ્યુટી સાહેબે કપાળની કરચલીઓ ભાંગતાં ભાંગતાં કહ્યું કે એક માણસના જીવનનો ખાનગી ખૂણો બીજા માણસ પાસે ખુલ્લો ન કરાય. એમાં પણ આ તો એક ઓરતના જીવનની ખાનગી છે. બીજી ઓરતને એ કેમ જ બતાવાય ?”
જઈફ આદમીની આ દલીલો શિવરાજને જોઈતી હતી તેવી જ જડી ગઈ. પોતાને મનભાવતી એ વિચારણા હતી. પોતે એનો સ્વીકાર કર્યો. અને એ ભાવતી વાત પર ઇન્સાફનાં આભૂષણો ઢંકાયાં.
અંતર પરથી પહાડ ઊતરી ગયો. હવે એ અપરાધી રહ્યો નથી. હવે એની અને સરસ્વતીની વચ્ચે નૈતિક આંચકા લેતો જ્વાલામુખી રહ્યો નથી. સરસ્વતીના ઓરડાનો માર્ગ ઊઘડી ગયો છે. એ ઊઠ્યો અને રાજકોટ જવા તૈયાર થયેલી સરસ્વતીને મળી લેવા રઘવાયો બન્યો. ઊઠીને વિદાય લેવા જાય ત્યાં તો પાછા એને ડેપ્યુટીએ કહ્યું : “આજનાં જુવાનિયાં જેમ ચીકણાં બન્યાં છે તેમ પાછાં મનનાં નબળાં પણ એટલાં જ બન્યાં છે. હાલતાં ને ચાલતાં અટવાઈ પડે છે ને પછી રસ્તો કરતાં આવડતો નથી તેથી વધુ અટવાય છે. અમારા વખતમાં…”
શિવરાજને વૃદ્ધનું આ લપીપણું અસહ્ય લાગ્યું. ડેપ્યુટીના પ્રવચનનું પૂર્ણવિરામ ક્યારે આવે છે એની તપાસમાં એણે સમજ્યા વગર ‘હા જી, હા જી’ જ કર્યે રાખ્યું. અને ડેપ્યુટીસાહેબને ઉધરસનું એક ઠસકું આવતાં જ એણે ફરી પાછા ઊપડવાનો લાગ જોયો. બારણા સુધી પહોંચ્યો કે તરત જ પાછો ડેપ્યુટીનો અવાજ આવ્યો : અને જુઓ, તમને જ કહું છું. બીજાને કોઈને મેં વાત કરી નથી : હું જ્યારે બાવીસ વર્ષનો હતોને –”
વર્ષો પહેલાંની આ પારકી જુવાનીનાં ચૂંથણાંમાં શિવરાજને તે ક્ષણે જે રસ આવ્યો તેનો સ્વાદ સુદર્શનના કઢા સરીખો હતો. છતાં બારણામાં ઊભા રહી ‘હા જી, ખરું છે…’ વગેરે અર્થહીન હોંકારા એના મોંમાંથી પડ્યે ગયા. છેવટે પોતે જાણે ત્યાંથી જીવ લઈને નાઠો.
સરસ્વતી તે વખતે ઊંચી અભરાઈ પર કાંઈ પડી રહ્યું હોય તો તેની તપાસ કરતી હતી. એક સીડી એના પગ નીચે કડાકા કરતી હતી. બાવીસ વર્ષનો એ દેહ વજનદાર હતો. સીડીના કચડાટાએ શિવરાજની આંખો પાસે સરસ્વતીના ભરપૂર યૌવનની ચાડી ખાધી. શિવરાજ બિલ્લીપગે પાછળ પાછળ ગયો.
દીવાલ પર સરસ્વતીએ કોઈનો ઓળો પડેલો દીઠો : એ ચમકી… એના પગ અસ્થિર બન્યા… સીડીએ સમતોલતા ગુમાવી.
અને બીજી જ ક્ષણે એ લસરેલું યૌવન શિવરાજની બાથમાં ઝિલાયું હતું. ભયભીત સરસ્વતીની કમ્મર શિવરાજની ભુજાઓમાં હતી. ભય અને પ્રાણના પ્રથમ પુલક વચ્ચે બેચાર પલનું તો માંડ અંતર પડ્યું.
એક હિલોળો લેવરાવીને શિવરાજે સરસ્વતીના યૌવનને ભોંય પર મૂક્યું. સરસ્વતીની છાતી ધડક ધડક થઈ રહી.
ભય અને સુખસ્પર્શના ઉપરાછાપરી આઘાતે સરસ્વતીને ઉચ્ચાર સરખો પણ થોડી