“નહીં, મારાથી આ નથી સહેવાતું. તમારો મેં નાશ કરી નાખ્યો; છોડો.” રામભાઈના હૃદયમાંથી એક ધ્રુસકું નીકળી પડ્યું. એ શિવરાજના હાથમાંથી જોશભેર છૂટો થઈને ખંડની બહાર દોડ્યો.
“રામભાઈ, એક વાત કરું.” શિવરાજે એને રોક્યો. રામભાઈ શિવરાજ તરફ ફરીને દૂર ઊભો રહ્યો :
“શું છે ?”
“આચાર્યદેવને તમારે જઈને કહેવાની જરૂર નથી. તમે છતા નહીં થાઓ તોપણ છેવટે હું નિર્દોષ ઠરવાનો છું.”
“શી રીતે ?”
“આચાર્યદેવને એની મેળે જ એની ભૂલ યાદ આવશે. એમણે ગઈ કાલ રાતની બાર બજ્યાની મારી ગેરહાજરી પરથી જ માની લીધું છે કે તખુભા દરબારના દીકરાની ખોપરી તોડનારો ને ઝબુની છેડતી કરનારો હું હતો. મારી ગેરહાજરીનું ખરું કારણ તો તે પોતે જ છે.”
“એટલે ?”
ચાર દિવસ પર તેમણે મને કહી રાખેલું કે કલકત્તાથી એક સંપેતરું ગઈ રાતની ગાડીમાં આવવાનું હતું, ને એ મારે લઈ આવવાનું હતું. બાપડા એ વાત ભૂલી જ ગયા છે ! યાદ આવશે ત્યારે પસ્તાશે — ને તમારું નામ દેવાની કશી જ જરૂર નહીં પડે. બની ગયું તે બની ગયું.”
“ના, ના, એક સેકન્ડ પણ હવે તો હું તમારા શિર પર આ ભારે કલંક નહીં રહેવા દઉં.”
એટલું કહીને રામભાઈ દોટ કાઢી બહાર નીકળી ગયો.
તે પછીના અરધા કલાક સુધી એ આચાર્યદેવના ઓફિસ-રૂમમાં રોકાયો હતો એ બધા વિદ્યાર્થીઓએ જોયું.
રામભાઈ પોતાના વર્ગમાં ચાલ્યો ગયો તે પછી આચાર્યદેવ ખુરશી ઉપર ન બેસી શક્યા. બેત્રણ વાર બેસી બેસીને ઊભા થયા. લખવા બેસતાં એણે હોલ્ડરની ટાંકને બદલે પૂંછડીનો છેડો શાહીમાં બોળ્યો, ને અણીને બદલે ટોપકાની બાજુથી ટાંકણી કાગળમાં ભરાવવા જેવી ભૂલો એ કરવા માંડ્યા.
‘આ શું બની બેઠું મારા હાથે !’ એણે એકલા એકલા આંટા મારતે મારતે પોતાના હોઠ કરડ્યા. ‘મારી આટલી મોટી ભૂલ કેમ કરતાં બની ? મારા જીવનનાં ચાળીસ વર્ષોમાં મેં કદી એક પણ વખત આવી ગલતી, આવો અન્યાય, આવી ભ્રાંતિ દાખવ્યાં નથી. આ છોકરાએ પોતાના તેજોવધનો મને ગજબ બદલો આપ્યો. એણે ચૂપ રહીને મારી તમામ વિભૂતિ હણી નાખી છે. એ એક શબ્દ સામો બોલ્યો હોત તો મને આજે થાય છે તેટલો વસવસો ન થાત. મારા પ્રકોપને ઊભા રહેવાની તસુ જેટલી પણ ધરતી એણે નથી રહેવા આપી. મારો પરાજય સંપૂર્ણપણે થઈ ચૂક્યો. હું હવે એની હાજરીમાં જીવી જ કેમ શકું ? એની બે આંખો મને નિરંતર કલેજા સોંસરો પરોવ્યા કરશે. એની મહત્તા સામે મારી પામરતા મને દિવસરાત શરમાવતી રહેશે. ગજબ ગોટાળો થયો. ગજબ વિસ્મરણ, ગજબ મોટી ભૂલ !”
ફરી એક વાર એ ખુરશી પર બેઠા, એણે કાગળ ને હોલ્ડર લીધાં. એણે શિવરાજના