લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
અપરાધી
 


ચીસ પાડે છે કે જે સાંભળીને ઉંદર આપોઆપ ગાભરો બની બહાર નીકળી પડે છે. હિંદની હજારો અદાલતોના પટાવાળાના ત્રણ ત્રણ હાકોટામાં પણ જાણે એવી જ કોઈ કાળશક્તિ રહેલી છે.

કેમ્પની અદાલતના ચોગાનમાંથી એક સ્ત્રીશરીર ઊભું થયું. સાડલો ઓઢાડેલો લાકડાનો માળખો હોય, સેંકડો થીંગડાંમાંથી રચેલો ચંદરવે ઢાંકેલો ડામચિયો હોય, જેને જીવતો જીવ કહેતાં પહેલાં પલભર મન વિમાસણમાં પડી જાય, એવું એક માનવશરીર કમ્પાઉન્ડને છેવાડે આવેલા ખીજડાના ઝાડ પાસેથી નીકળ્યું ને અદાલત તરફ ચાલ્યું.

એનો એક હાથ સાડલાની અંદર ઢાંકેલો હતો, ને બીજા હાથનું માત્ર કાંડું જ બહાર દેખાતું હતું. એ કાંડાના પંજામાં એક મેલું પરબીડિયું હતું. એ સ્ત્રી હતી ? કે કોઈ વાદીને ખભે લટકતી ઝોળી હતી ? ઝોળીમાંથી જાણે એક સાપ ડોકું કાઢતો હતો, બીજો સાપ અંદર બેઠો હતો — બે હાથનો દેખાવ એવો હતો. એ પોતે જ બાઈ તરવેણી હતી.

બાઈ તરવેણીને પટાવાળો પીંજરા તરફ લઈ ગયો ને એને અંદર ઊભી કરી ત્યારે કાગળ પર કંઈક નોંધ કરીને શિવરાજે ઊંચે જોયું ને ફરીથી શિરસ્તેદારને પૂછ્યું : “ક્યાં છે બાઈ તરવેણી ! હજુ કેમ બોલાવતા નથી ?”

“આ રહી સાહેબ — પીંજરામાં ઊભી તે જ.”

“આ બાઈ તરવેણી ? એ તો પ્રતિવાદીની પુત્રવધૂ છે ને ?” શિવરાજના મનમાં સંભ્રમ થયો.

“હા જી.”

“તમે કહો છોને, કે પ્રતિવાદી રાવબહાદુર ત્રિવેદી છે ?”

“હા જી.”

“તેની આ પુત્રવધૂ !”

“સગી પુત્રવધૂ.”

“આ વેશે ? ઢોંગ તો નથી કરતી ?”

“જી ના, દર વખતે આ જ વેશે હાજર થાય છે.”

તે જ ક્ષણે કમ્પાઉન્ડમાં મોટરનો મેઘનાદ ઊઠ્યો, મોરલા બોલ્યા, પક્ષીઓ કળેળ્યાં. ઘણા કોસની મજલ કરીને મોટર આવી પહોંચી હતી એવું અનુમાન એના ચકચકિત ‘બોડી’ પર ચડેલી ધૂળના થરો પરથી દેખાતું હતું.

રેશમનાં કોટ-પાટલૂન અને સોના-કોરના બારીક સાફામાં સજ્જ થયેલ પચાસેક વર્ષના પુરુષ મોટરમાંથી ઊતરીને ડેપ્યુટીની ચેમ્બર તરફ ચાલ્યા. ત્યાંથી એણે અંદર પટાવાળા સાથે ચિઠ્ઠી લખીને ડેપ્યુટી પર મોકલી :

“હું આવી પહોંચ્યો છું — દૌલાનીથી મોટર દોડાવવી પડી — મુકદ્દમાને અંગે મારે કેટલીક ગુપ્ત વાતો કરવાની છે. બંધબારણે ચેમ્બરમાં આવીને મુકદ્દમો ચલાવો તો આભાર થશે.”

“એ તો બાઈને જ પૂછવું રહે છે,” એમ કહીને શિવરાજ તરવેણી તરફ ફર્યા, પૂછ્યું “બોલો, બાઈ તરવેણી ! તમારા પ્રતિવાદી તમારી સામે કેટલીક ગુપ્ત વાતો કહેવા માગે છે. તમને પ્રગટપણે કેસ ચાલે તે ગમશે કે બંધબારણે ?”

લાજના ઘૂમટામાંથી અવાજ નીકળ્યો – જાણે કોઈ ફૂટેલા ડબામાંથી તેલનો રેગાડો ચાલ્યો : “મારે તો સાહેબ, ઉઘાડે બારણે જ ન્યાય લેવો છે.”