લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપુનું અવસાન
૮૩
 

“મારું અપમાન થાય છે. અર્થાત્ સરકારનું ખુદનું… !”

“કોઈપણ સરકાર ન્યાયના કરતાં મોટી નથી. સરકારના માનાપમાનની સંભાળ અદાલત પાસે રહેવા દો. તમે એક સ્ત્રીનું અપમાન કર્યું છે તેની કોર્ટે નોંધ લીધી છે. તમારા બચાવમાં કાંઈ કહેવું છે ?”

“ના જી.”

“કેટલી જિવાઈ માગે છે — આ બાઈ ?"

“મહિને પાંચ રૂપિયા, સાહેબ !” બાઈના ઘૂમટામાં ક્ષીણ અવાજ ઊઠ્યો. એ અવાજ જાણે કોઈ ધસી પડેલી ભેખડ તળેથી આવતો હતો.

“પાંચ રૂપિયા ! માસિક પાંચ રૂપિયાને માટે સરકારના ઈલકાબધારી માણસ અદાલતોના ઉંબરા ટોચવા દીકરાની વિધવા વહુને આંટા ખવરાવે છે ?અફસોસ અને આશ્ચર્યની વાત ! હું બાઈને માટે રૂપિયા દસની માસિક ખોરાકીપોશાકીનો પ્રતિવાદી પર હુકમ કરું છું.”

“પણ સાહેબ, મને કોણ આપશે ?” — પેલો ક્ષીણ સ્ત્રીકંઠ સંભળાયો.

“દર માસે તમને અદાલત મારફત પહોંચતા થશે. ને પ્રતિવાદીએ એક એક વર્ષની પૂરી રકમ પ્રથમથી જમા કરાવી જવાની છે !”

૨૩. બાપુનું અવસાન

દાલત સ્તબ્ધ હતી. રાવબહાદુરનું ઝનૂનભર્યું મોં શિવરાજ સામે ફાટ્યું રહ્યું હતું. વિધવા તરવેણીને જાણે વિશ્વાસ જ નહોતો પડ્યો : મૅજિસ્ટ્રેટ મશ્કરી તો નહીં કરતા હોય !

શિવરાજનું કરડું મોં પોચું પડ્યું. એણે અદાલતના વકીલો, અસીલો તમામ પ્રત્યે એક મલકાટ વેર્યો, ને “ઊઠશું ત્યારે ?” એવા હળવા શબ્દો બોલી, ખુરશીના હાથા પર હથેળીઓનો સુંવાળો લસરકો મારી એ ઊઠી ચેમ્બરમાં ગયો. ને સ્તબ્ધ સભાનો મધપૂડો ગુંજી ઊઠ્યો. વકીલોએ વિસ્મયભર્યા ચહેરે એકબીજાના ખભા થાબડતે થાબડતે કહ્યું : “માજિસ્ટ્રેટો બધા મરી ગયા મરી ! જીવે છે આ એક જ માઈનો પૂત !”

રાવબહાદુર સર્વથી સંકોડાઈને લપાતા ચોરની પેઠે નાઠા તે સૌએ જોયું.

બાઈ તરવેણી હજુ જેમની-તેમ જ બેસી રહી હતી, અને પાસે ઊભેલો એક પટાવાળો એનું એકલ ભાષણ સાંભળતો હતો. એ બોલતી હતી :

“મારી આંતરડી જેવી તે ઠારી છે તેવાં જ તારાં અંતર ઠરજો, મારા વીરા ! તારી એકોએક આશાઓ પુરાજો !”

રાવબહાદુરની મોટર નિરર્થક ધૂળના ગોટા ઉરાડતી નીકળી ગયા પછી એક બે-ઘોડાળી ગાડી પણ અદાલતના ચોગાનમાંથી બહાર નીકળી.

આગળ ઘોડાઓ માટે માર્ગ કરવા એક ચપરાસી હાથમાં કૂમચી લઈ દોડતો હતો. લગામ જેના હાથમાં હતી તે પુરુષ ગાડીને ઝટ બહાર કાઢી લેવાની ઉતાવળમાં તો હતા છતાં ‘આસ્તે, બાપા આસ્તે !’ એમ કહેતા હતા. સૌ એને સલામો કરતા હતા. સલામોને ઝીલતા પોતે હસતા હતા. સાધારણ માણસને માટે આ હસવું સંયમી ગણાય, છતાં ચાલ્યા