કાંઈ શીલની ઝાંય વેરી છે ! એની બાજુમાં મેં તારા જ માતૃમુખની શ્યામવરણી નમણાઈએ શોભતો તારો જુવાન બેટો ઊભેલો ને બેઠેલો જોયો છે — આશીર્વાદ દઈને જલદી મરવું જ ગમે એવું જોડલું !”
પિતાની અંતિમ ઈચ્છા : જાણે કોઈ અદીઠ આશીર્વાદ : શિવરાજના કલેજામાં થડકાર સમાયા નહીં. વધુ વિચાર એ કરી શક્યો નહીં. આગળ વધ્યો — છેલ્લું પાનું. ગઈ કાલની અદાલતનું દૃશ્ય જોયા પછીના આ ઉદ્ગારો :
“બસ નર્મદા, હવે તો હું પાર ઊતરી ગયો. તારો બાળ મારા વિના ટક્કર ઝીલી શકશે. હવે એને પિતાની ખોટ નહીં રહે. હવે તો પેલી — એની સ્ત્રી — એને પડખે હશે, એટલે તારો બેટો આભના તારા ચૂંટી શકશે. આપણા લગ્ન-સંસારની પવિત્રતા એ બેઉના જીવનમાં ઊતરશે એ જ છેલ્લી ઈચ્છા,”
અને છેલ્લે —
“હું થાક્યો છું. મારું કામ ખતમ થયું છે. હવે હું નહીં રોકાઉં. તને જલદી આંબી લઈશ, નર્મદા ! આજે રાતે આંખો મીંચીશ ત્યારે તારી જ મુખમુદ્રામાં મને દર્શન થશે. પ્રણામ, નર્મદા !”
રાતના ત્રણના ટકોરા થયા. શિવરાજે પોથી બંધ કરી. પોથી પર પોતાનું માથું ઢાળી દીધું. મનમાં એ બોલ્યો : “બાપુજી, મને ક્ષમા કરજો ! ક્ષમા દેજો !”
પછી તરત જ એના અંતરમાં પ્રકાશની એક રેખા ચમકી ઊઠી : બાપુને પાછા લાવવાનું શક્ય નથી, પરંતુ નોંધપોથીમાંની એમની જે એક પ્રબલ ઈચ્છા, એમના ને માતાના પ્રેમજીવનની પવિત્રતા રક્ષી રાખવાની, તે ઈચ્છાને હું મારા જીવનનો મહાપંથ માની પગલાં ભરીશ. પિતાજી હંમેશાં કહેતા, ગમે તે ભોગે સત્યને પંથે વર્તન કરવું – હું એમ જ કરીશ.
૨૪. સળવળાટ થાય છે
આઠ દિવસની રજા પર ઊતરીને શિવરાજ સુજાનગઢમાં રોકાયો. માવિહોણાં બનેલાં બાળકો જેવા બેઉ બુઢ્ઢાઓ પાસેથી ખસવું ગમ્યું નહીં.
આખો વખત એની આંખો ભીંજાતી અને ટપકતી રહી. શૂન્ય ઘર એને પિતાની મૂર્તિમાન હાજરી સરખું લાગ્યું : ચોપાસના પહોળા સીમાડાને ભરીને જ જાણે બાપુનો પ્રાણ બેઠો છે ! આકાશના અનંત મૌનમાં પિતા એને વ્યાપક લાગ્યા. દેવનારાયણસિંહનું ને આકાશનું મળતાપણું એને કલ્પિત અથવા કવિતા માયલું ન લાગ્યું — એ જાણે કે સાવ સહજ અને રોજનું સત્ય હતું.
વારંવાર મનના પ્રણિપાત કરતો એ એક જ વિચાર રટતો રહ્યો કે, “બાપુજી, તમારું જીવનભરનું શ્રાદ્ધ-સરાવણું આ એક જ રહેશે : સત્યને માર્ગેથી હું નહીં ચળું.”
રાજકોટથી કાગળ આવ્યો. કાગળ ડેપ્યુટીસાહેબનો ને સરસ્વતીનો હતો. સરસ્વતીએ લંબાણથી લખ્યું હતું :