પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
અપરાધી
 


‘તમે ચલાવેલા બે કેસનો અહેવાલ મેં છાપમાં વાંચ્યો ત્યારે અંતઃક૨ણ થનગની ઊઠ્યું હતું. છાપાંના અહેવાલોની કાપલીઓ આ સાથે બીડું છું. એમાં તો તમારી ઉદ્ધતાઈની અને એક રાવબહાદુરનું તમે અપમાન કર્યું વગેરે વગેરે વાતો લખી છે, પણ મેં એ અવળા શબ્દો સવળા કરીને વાંચ્યા. રાવબહાદુરની વિધવા પુત્રવધૂ તમારી સામે ઊભી હશે તે મૂર્તિ મારી આંખો સામે તરવરી રહી. મને તો એટલે સુધી લાગ્યું કે જાણે હું જ એ સ્ત્રી બનીને તમારી સામે ન્યાય યાચતી ઊભી હોઉંને ! હું આટલી તદાકાર બની શકી એટલે તો મને મનમાં શુ નું શું થઈ રહ્યું છે. પણ તે કેમ કરી સમજાવું ! કાગળ લખું લખું કરતી હતી. અન્યાય પામેલી સ્ત્રીઓના ‘વીરા’ તરીકે તમને વધાવવાના કોડ હતા. પણ તમારો કાગળ આવ્યા પહેલાં હું શરૂઆત કરું તે તમને નહીં ગમે તો ? — એમ વિચારીને વાટ જોતી હતી. એ અવસર આજ મળી ગયો. બાપુજીના મૃત્યુને હું તમારા પર કાગળ લખવાનો અવસર બનાવું છું તેથી તમે દુભાશો તો નહીં ને ? પણ હું દિલમાં જે સાચોસાચ છે તે લખી નાખું છું. ધીરે ધીરે બાપુજીની સ્મૃતિ-રેખાઓ મારા અંતરમાં ઊપસી આવે છે. તમે આજ એકલવાયા શું કરતા હશો ? તમારા પડખે હું હોઉં તો કંટાળો આવે કે સાંત્વન મળે ? તમને એકલા પડવું ગમતું હશે કે કોઈ બીજું પાસે હોય તેવું મન થતું હશે ? નથી સમજી શકતી. ને સમજી શકું તોપણ શું ? ત્યાં આવીને થોડું રહેવાય છે ?’

લિ. સરસ્વતી
 

હજુ કાગળ વાંચીને પૂરો કરે છે ત્યાં તાર મળ્યો :

‘પિતાજીને સુજાનગઢનો ચાર્જ સંભાળવા હુકમ થયો છે. આવીએ છીએ — સરસ્વતી.’

સરસ્વતી શું આટલી અનાયાસે આવે છે ! આ તાર બનાવટી તો નથીને ? – પત્ર વાંચ્યા પછી મળેલો તાર શિવરાજને આટલે સુધી ક્ષુબ્ધ બનાવી રહ્યો. સરસ્વતી આવે છે… અજવાળી દૂર ને દૂર ઠેલાતી જાય છે.

આઠ દિવસ ઉપર એ નાના સ્ટેશને ચલાવેલ મુકદ્દમાએ શિવરાજને અજવાળીનું સ્મરણ કરાવ્યું હતું. ખેડુની ગાડું હાંકતી છોકરી રેલવે-અકસ્માતમાં ભય પામી તાવમાં પડી મરી ગઈ, તેનું ‘કોમ્પેન્સેશન’ શિવરાજ નહોતો અપાવી શક્યો. અજવાળી એક ખેડુની છોકરી હતી. અજવાળીની એટલી જ યાદ જરીક ચમકીને વિરમી ગઈ હતી. પિતાના મૃત્યુએ મનમાં જગ્યા નહોતી રહેવા આપી. એમાં સરસ્વતીનો કાગળ મળ્યો. ઠસોઠસ ભરાઈ ગયેલા શિવરાજના હૃદયમાં સરસ્વતીની સાંભરણ તો હવા સમ બનીને પેસી ગઈ. ઝીણીમોટી બધી ચિરાડો ને છિદ્રો પૂરી દઈને એ હવાએ જાણે કોઈ વન-સંગીત જન્માવ્યું. એકલતાનાં પોલાણ ગાજી ઊઠ્યાં — વનનાં વાંસવૃક્ષોની પોલમાં પેસીને વાયુ બંસરી બજાવે છે તેવી રીતે.

માલુજી તાવમાં શેકાતા હતા. તેમણે શિવરાજના એ હૃદય-સંગીતમાં વિક્ષેપ પહોંચાડ્યો.

“ભાઈ !” એણે હાંફતાં હાંફતાં અને લથડિયાં ખાતાં ખાતાં શિવરાજને ઓરડે પહોંચીને સાદ કર્યો.

શિવરાજ પાછળ ફર્યો. એના હાથમાં કલમ હતી —પોતે સરસ્વતીને કાગળ લખતો હતો.

“આમ ઊઠીને અવાય?" શિવરાજે એના ડોલતા શરીરને ટેકો દઈ ખુરશી પર બેસાર્યું.

“ન આવત — આવત તો નહીં, ભાઈ !” ડોસો મહાકષ્ટે બોલતો હતો, “પણ હવે… ભરોસો ઊઠી ગયો — આ કાયા માથેથી. કહેવા તો એટલું જ આવ્યો’તો — કે