— ઓનું — પછી — શું — કર્યું ?”
પણ એ વાક્ય શિવરાજને સ્પષ્ટ સમજાય તે પૂર્વે તો માલુજી ડોસાને ઝોબો આવી ગયો. એની સારવારમાં જ બે કલાક ચાલ્યા ગયા. શિવરાજ પોતાના હૃદયમાં ચાલતા નવસંગીતમાં એટલો મગ્ન હતો કે માલુજી જે કહેવા આવેલો તેનું ઓસાણ એને આવ્યું જ નહીં.
મુંબઈના મહિલાશ્રમમાં તે જ વખતે અજવાળીના અંગેઅંગમાં એક નવીન પ્રકારનો સળવળાટ ચાલુ થયો હતો. ખાઈપીને પડી રહેનારી અજવાળીને એની સાથણ એક સાંજરે ઢંઢોળતી હતી : “ઊઠ, ઓ કાઠિયાવાડની ઊંઘણશી પાડી !”
કોઠારની પાછલી બાજુએ જ્યાં કબૂતરોની ચરક વરસતી, ઉંદરો દોડાદોડ મચાવતા, ને કૂતરાં છાંયો શોધી બેસતાં, તે સ્થળે ચત્તીપાટ પડેલી અજવાળી આંખોના મણીકા મણીકા જેવા બોજદાર પોપચાં ઊંચકીને બહેનપણીને કહેવા લાગી : “મને આ શું થતું હશે ?”
એની આંખોમાં કોઈ કૌતુક દોડાદોડ કરતું હતું. પોતે જાણે પોતાના પર જ મુગ્ધ બનીને દેહ પર, ખાસ કરીને પેટ પર હાથ પસવારતી હતી.
“શું છે ? કયાં ?” સાથણે પૂછ્યું.
“આંહીં… આંહીં, જો, જો, જો તો ખરી ! આ… આ હા-હા-”
અજવાળીના એ વિસ્મયોદ્ગાર ન સમજી શકતી સાથણ તો અવાક ઊભી જ થઈ રહી.
“આંહીં હાથ મૂક તો, બહેન ! જો તો ખરી, કંઈક ફરક ફરક થાય છે.”
એમ કહેતી અજવાળી પોતાના ઉઘાડા ઉદર પર હાથ મૂકતી હતી.
સાથણ નીચે બેઠી. એણે અજવાળીના પેટ પર હાથ મૂક્યો. ચામડી નીચે કશોક સળવળાટ મચ્યો હતો. કશીક દોડધામ થતી હતી.
સાથણ પણ અજાયબ બની — રમત જેવું લાગ્યું. થોડી વાર સુધી તો રમત ચાલુ રહી, પણ પછી સાથણ બોલી ઊઠી : “છોકરું હશે તો ?”
એ શબ્દો સાંભળવાની સાથે જ અજવાળીની ગમ્મત અટકી ગઈ. એનું મોં સફેદ હતું, વધુ સફેદ બન્યું. એ વેગથી ઊભી થઈ ગઈ. એણે કપડાં સંકોર્યા. એની આંખોમાં દીવા ઓલવાતા હોય તેવો દેખાવ બન્યો.
જાડી પાડી બનીને એ સૂતી રહેતી. સૌને લાગતું કે એના શરીરે મેદના થર ચડ્યા છે, કોણ જાણે કેમ પણ ઊબકા આવવાની હેળ્ય એને થયેલી જ નહીં. એના ચરબીભર્યા દેહમાં ચાલતા બીજા વિકારો કોઈની નજરે પડ્યા નહીં. છ મહિના એમ ને એમ વીતી ગયા હતા. સંસ્થાને તો પ્રથમથી જ પૈસા મળી ગયા હતા એટલે અજવાળીની ઊંડા ઊતરીને સાર લેવાનું કોઈને સૂઝ્યું નહીં. સંચાલકબાઈએ એ જડભરત છોકરીની મશ્કરી કરવા સિવાય બીજો કશો ઉપયોગ જોયો નહોતો. ભરતકામ પણ હવે તો એણે છોડ્યું હતું.
પણ તે દિવસે એના ઉદરમાં થયેલા સળવળાટની વાત આશ્રમમાં પાણીના રેલા પેઠે ચાલી. રેલો સંચાલકની પાસે પહોંચ્યો. જાસૂસો જાગ્રત બન્યા.
અજવાળીના હૈયામાં, અંગેઅંગમાં ને રોમેરોમમાં બાળક ફરકતું હતું; અને આશ્રમની સ્ત્રીઓના, રસોઇયણના, નોકરોના, સૌ કોઈના હોઠ પર હાસ્ય ફરકતું હતું. એ હાસ્ય