પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
અપરાધી
 


આગલા દિવસની સાંજ સુધીના મલકાટ કરતાં જુદેરી જ જાતનું હતું. છૂપા ખિખિયાટા હતા. સોનેરી, પણ ખંજરો હતાં. અજવાળીના દેહનું પ્રત્યેક અણુ કોઈ પરમ સાર્થકતાની પુલક અનુભવતું હતું, ત્યારે જગતના હાસ્યમાં આ કરડાઈ ક્યાંથી ઝરતી હતી ? શરીરમાં સર્જનનો થનગનાટ હતો; સમાજમાં એ સર્જન શું કોઈ ગુપ્ત દારૂગોળેભરી સુરંગ સમું ગણાતું હતું ?

પોતાની પ્રત્યેક સહિયર કેમ આ ફરકાટ પર હાથ મૂકવા આવતી નથી ? હવે કોઈ કરતાં કોઈ પાસે પણ કેમ ઢૂકતું નથી ? ને છતાં આ ચોગાનમાં ઊગેલા આસોપાલવ પોતાનાં પત્તાંનો મર્મર-ધ્વનિ કાઢીને પોતાના જેવા જ ફરકાટ શું નથી બતાવતા ? રસોડાના એઠવાડની મોરી પર બેઠેલાં કબૂતરો કેવાં અંગ ફરકાવે છે : ચંપાનાં ફૂલની ગાદલી પર ચડીને નાનું જાબુંડિયા રંગનું પતંગિયું પોતાની પાંખોના પંખા ઘૂજાવે છે તેમાં ને પોતાના પેડુની બેઉ બાજુમાં હમણાં જ જાણે પાંખો ઊઘડશે એવા સળવળાટમાં શું કોઈ અદ્ભુત સામ્ય નથી લાગતું ?

અજવાળીનો પ્રાણ જે વેળા આવું સર્જકત્વ — આવું કવિત્વ અનુભવી રહ્યો હતો, તે જ વેળા આશ્રમની ઉપરી દક્ષિણી સ્ત્રી ઓફિસના ટેબલ પર બાવરી આંખે પોતાનાં જાસૂસોની કથા સાંભળતી હતી. આંહીં તો કોણ આ કૃત્યનો જવાબદાર હોઈ શકે ! આંહીં તો કોઈ પુરુષ નથી. બાજુના મકાનમાં જ અમે રહીએ છીએ. મારી સાથે મારો વિધુર ભાઈ રહે છે. ભાઈની શાખ શંકાશીલ હતી. અગાઉ ખુદ આશ્રમની અંદરના જ મકાનમાં ભાઈને લઈને પોતે રહેતી તે વખતે બનેલી એક ઘટનાએ એને આશ્રમ બહાર રહેવાની ફરજ પાડી હતી. એવો જ ભય આજે બીજી વાર ઊભો થઈ રહ્યો છે. અધિષ્ઠાત્રીએ ઇલાજો વિચાર્યા. એણે ટેલિફોન લીધો, નંબર જોડ્યો : “શેઠ જુગલકિશોર મેડતિયા છે ?… આજે અત્યારે આંહીં આવી શકશો ?… ઉતાવળે આવો.” જવાબ જડ્યો કે, “દાદર ઊતરું જ છું.”

અજવાળીને અધિષ્ઠાત્રીએ એકાંતે લીધી, પૂછપરછ કરી : “આ કોનું કૃત્ય છે ?”

“મને ખબર નથી.” અજવાળીના અંતરમાં એ ક્ષણે અપરાધી ભાવ હતો, તેથી વિશેષ સર્જનના આનંદનો હિલ્લોળ હતો.

“લઈને આવી હતી ?”

“શું લઈને ?”

“શું લઈને ? અજાણી થાવા જાય છે ? નાની પોરી છે ?”

“શું લઈને ?” અજવાળીએ ફરીથી પૂછ્યું.

“લઈને તારું પાપ.”

“પાપ !” અજવાળીએ સામો સવાલ કરવા નહોતું ઉચ્ચાર્યું. ઉચ્ચાર તો એનાથી થઈ ગયો, આપોઆપ નીકળી ગયો.

“ત્યારે શું મહાન પુણ્ય ? બોલી નાખ, ક્યાંથી લઈ આવી ?”

“મને ખબર નથી.”

“એક આબરૂદાર માણસ તને અહીં મૂકી ગયેલ છે એ જાણે છે ? એના મોં પર કેટલી ખાનદાની હતી ? એનેયે શું તેં છેતરેલ ? એની આજે શી બેઆબરૂ થવાની છે – ખ્યાલ કરે છે ?”

અજવાળીને આ શબ્દોએ ટાઢાબોળ બનાવી. એક રીતે એ તદ્દન બેવકૂફ હતી. ભોળી ભલી મા અને ઘાતકી અપર-પિતા વચ્ચેના કંકાસોએ એને હમેશાં સંગ્રામો કરવામાં