પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલ્યું આવે છે. સેના ચાલી આવે છે, રસ્તાના મુલકને આગ લગાડતી આવે છે, દેવળો તોડતી, અને લોકો ઉપર ગોળીઓ છોડતી આવે છે. હાય ! એ જીવલેણ સડકો તો જાપાની સેનાને એ રમ્ય ભૂમિ ઉપર છોડી મૂકવા માટે બાંધવામાં આવેલી. એ મહેલ મહેલાતો અને રાજમાર્ગો બાંધવામાં હજારો લોકોને તલવારની અણીએ વેઠે વળગાડેલાં હતાં. એ જમીનો લોકો પાસેથી જબરદસ્તી કરી ઝૂંટવી લેવામાં આવી હતી. કોરીચાની એ શોભાયમાન ને મોહમયી મહેલાતોના પત્થરો, તે પત્થરો નથી, પણ જીવતાં કોરીયાવાસીઓનાં–મરદો, ઓરતો અને બાલકોનાં–શરીરોના ગંજ ખડકેલા છે. પળે પળે એ પત્થરોમાંથી ઝીણું આક્રંદ ઉઠે છે. કેમેરા લઇને છબી પાડવામાં મશ્ગુલ બનેલા વિદેશી મુસાફર એ આક્રંદ ન સાંભળી શકે.

આ બધી કવિતા નથી. ધગેલા મસ્તકની મિથ્યા કલ્પના નથી. કઠોર સત્ય છે. કોરીયાની શોભા વિસ્તારવા જતાં જાપાની સરકારે, એ દેશનું રાષ્ટ્રીય કરજ ૩૬૮,૨૫૬ ડોલર હતું, તે વધારીને પર,૪૬૧,૮૨૭ ડોલર જેટલે પહોંચાડી દીધું છે. અને વાર્ષિક કર વેરો સને ૧૯૦૫ માં ૩,૫૧,૯૦૭ ડોલર હતો તે વધારીને ૧૯,૮૪૯,૧૨૮ ડોલર સુધી પહોંચાડ્યો છે. બદસુરત દેશને રમણીય બનાવવા જતાં, દેશનું કરજ એકસોતેતાલીસ ગણું વધારી દેવાય, અને પ્રજા ઉપર સાડાપાંચ ગણો કર ચાંપી બેસાડાય એ કાંઇ સાધારણ દિગ્વિજય ન કહેવાય. ‘મહત્‌

૯૫