પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાન’ કે ‘મહત્ બ્રીટન’ થવું સ્હેલું નથી. લોકોની ખાનગી મિલ્કતો, રે ! ખુદ બૌદ્ધ દેવાલયોની જમીનો ઝુંટવી લેવામાં છાતી કઠણ કરવી પડે છે ! ત્રણ લાખ જાપાનીઓને વેપાર વાણિજ્ય તેમજ સરકારી નોકરીઓ સોંપી દેવામાં બડી હિંમત વાપરવી પડે છે ! જાપાનીઓને માટે જગ્યા કરી દેવા કોરીયાવાસીઓ દેશ છોડી ચાલી નીકળે, મંચુરીયા અને સાઈબીરીયાના બરફની બખોલોમાં ભરાઈ બેસે, તો ત્યાં પણ જાપાની લશ્કર તત્કાળ પહોંચી જાય. કારણ ? સરકાર કહે છે, કે અમારી પ્રજા જ્યાં જાય ત્યાં એનું રક્ષણ કરવાનો અમારો ધર્મ છે ! મહારાજ્યો આમજ બંધાયાં છે. આ રીતે જ બંધાશે.

આજ કોરીયાની પ્રત્યેક બેન્ક ઉપર જાપાની “સલાહકાર” ચડી બેઠો છે. એની સીલક સરકારી બેંકમાં જ રાખવી પડે છે; ને એ સરકારી બેંકની મુન્સફી સિવાય કોઈ બેંક એ સીલકનાં નાણાં પાછાં મેળવી શકે નહિ. બેંકો ઉપર તો શું, પણ પ્રત્યેક કોરીયન શ્રીમંતની છાતી ઉપર અક્કેક જાપાની Steward (નોકર) ચાંપી દેવામાં આવ્યો છે, કે જે ઘરનો હિસાબ રાખે છે, તેમજ નાણાં પ્રકરણી સલાહ–સૂચના કરે. સરકારના નીમેલા આ સલાહકારની પરવાનગી વિના કોરીયાના શ્રીમંત કશું ખર્ચ કરી શકે નહિ. એ કાયદો તોડનારની મિલ્કત તત્કાળ જપ્ત થાય. એક શ્રીમંતે ચીનની અંદર કોરીયાના તરૂણોને શિક્ષણ દેવાની અભિલાષાએ પેકીંગની

૯૬