પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇન્સાફની પ્રથામાં પણ એજ તરેહના સુધારા ! બંદીવાનને કેવળ એકજ પ્રશ્ન પૂછાય. “ફરીવાર કદી પોકારીશ કે ‘અમર રહો મા’ ?” હકારમાં ઉત્તર હોય તો કારાગૃહની અનંત અંધારી યાતનાઓ એની રાહ જોતી. અદાલતમાં આ સવાલનો ઉત્તર એક કુમારિકાએ દીધેલો કે, “છૂટીશ તો ૫હેલી જ તકે હું મારી માતાનું નામ પોકારવાની.” બસ ! કારાગૃહનો ઘોર અંધકાર એ સુકુમાર બાળાના આશામય સંસાર ઉપર ફરી વળ્યો.

વધુ કર્પીણ રીબામણી, વધુ પિશાચી રક્તપાત, વધુ ને વધુ દમન આરંભાયાં—અને તે બધું, સુલેહ શાંતિને નામે, નિર્દોષ અને શાંત પ્રજાજનોની સહીસલામતીને નામે !

સુધારાની ઈંદ્રજાળથી આખી દુનિયા ઠગાણી છે, પણ કોરીયા નથી ઠગાયું. જાપાન કોરીયાના અંતરને ઓળખી નથી શક્યું.

પ્રત્યેક કોરીયાવાસીના પ્રાણમાં આજે ભીષણ કટુતા વ્યાપી રહી છે, અને એ ઝેર જમાનામાં જતાં યે નથી નીકળવાનું. હવે કોરીયા વિચાર નથી કરતું, બુધ્ધિપૂર્વક સમજીને ધિઃક્કાર નથી દેતું, એ ધિઃક્કાર તો એના લોહીના પ્રત્યેક બિન્દુમાં પ્રવેશી ચુક્યો છે, સુધારાનાં છળ કોરીયાના ઝખ્મો નહિ રૂઝાવી શકે. એનું ખૂન પોકારી ઉઠે છે કે “ચાલ્યા જાઓ અમારી ભૂમિ પરથી.” બસ ! એથી કમતી કે વિશેષ કશું યે નહિ.

૧૦૦