પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ એ દસ હજાર નામ ચડી ચુક્યાં. પ્રજાનો આત્મા જાગે એ અધિકારીઓથી શી રીતે સાંખી શકાય ?

સ્વાતંત્ર્ય સભા માત્ર ભાષણોજ નહોતી દેતી. માત્ર ચર્ચાઓજ નહોતી કરતી. એણે શું કર્યું ? જ્યારે કોરીયાની સરકારે પોતાના સૈન્યને તાલીમ દેવાનું રૂશીઆને સુપ્રત કર્યું, ત્યારે એ દસહજાર સભાસદો રાજમહેલને ઓટે ખડા થયા, અને રાજાને અરજ ગુજારી કે રૂશીઆના અમલદારોને નિકાલો, કરારનામું ફાડી નાખો, ત્યાર પછીજ આંહીંથી અમે હટવાના. રાજાનો બીજો ઈલાજ નહોતો. દસહજારની ભુજાઓમાં નવું બળ આવ્યું. રાજાની આગળ એણે નવા સુધારાનો ખરડા ધર્યો.

૧. પરદેશી ડખલગીરી છોડો.
૨. વિદેશીઓને હક્કો આપવામાં વિવેક રાખો.
૩. રાજ્યદ્વારી ગુન્હેગારોનો છડેચોક ઇન્સાફ કરો.
૪. રાજ્ય ખરચની બદીઓ દૂર કરો.
૫. લોક–પ્રતિનિધિ મંડળ સ્થાપો.

રાજાજીને આ વાતો વસમી લાગી. એણે આજ્ઞા દીધી કે એ મંડળને જ વિખેરી નાખો.

દસ હજારે શું કર્યું ? જાલીમની સામે એણે શસ્ત્રો ન ઉગામ્યાં. અહિંસાના સિદ્ધાંતને બરાબર સમજનાર આ પ્રજાએ એક કાંકરી પણ ન ફેંકી. પોલીસ થાણાંઓની અંદર જઈને હાથ ધર્યા કે “પહેરાવો બેડી.”

૨૮