પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જતા તે કરાર અથવા 'એગ્રીમેન્ટ'. 'એગ્રીમેન્ટ'નું અપભ્રષ્ટ ગિરમીટ, અને તે ઉપરથી ગિરમીટિયા થયું. આ વર્ગની સાથે બીજાનો વ્યવહાર માત્ર કામ પૂરતો જ રહેતો. આ ગિરમીટિયાને અંગ્રેજો 'કુલી' તરીકે ઓળખે. અને તેમની સંખ્યા મોટી, તેથી બીજા હિંદીઓને પણ કુલી જ કહે. કુલીને બદલે 'સામી' પણ કહે. 'સામી' એ ઘણાં તામિલ નામને છેડે આવતો પ્તત્યય. સામી એટલે સ્વામી. સ્વામી નો અર્થ તો ધણી થયો. તેથી કોઈ હિંદી સામી શબ્દથી ચિડાય ને તેનામાં કંઈ હિંમત હોય તો પેલા અંગ્રેજને કહે : 'તમે મને 'સામી' કહો છો, પણ જાણો છો કે 'સામી' એટલે 'ધણી'? હું કંઈ તમારો ધણી નથી' આવું સાંભળી કોઈ અંગ્રેજ શરમાય , ને કોઈ ખિજાય ને વધારે ગાળ દે અને ભલો હોય તો મારે પણ ખરો, કેમ કે તેને મન તો 'સામી' શબ્દ નિંદાસૂચક જ હોય. તેનો અર્થ ધણી કરવો તે તેનું અપમાન કર્યા બરોબર જ થયું.

તેથી હું 'કુલી બારિસ્ટર' જ કહેવાયો. વેપારીઓ 'કુલી વેપારી' કહેવાય. કુલીનો મૂળ અર્થ મજૂર એ તો ભુલાઈ ગયો. વેપારી આ શબ્દથી ગુસ્સે થાય ને કહે : ' હું કુલી નથી. હું તો અરબ છું,' અથવા 'હું વેપારી છું.' જરા વિનયી અંગ્રેજ હોય તો એવું સાંભળે ત્યારે માફી પણ માંગે.

આ સ્થિતીમાં પાઘડી પહેરવાનો પ્રશ્ન મોટો થઈ પડ્યો.પાઘડીએ ઉતારવી એટલે માનભંગ સહન કરવો. મેં તો વિચાર્યું કે હું હિંદુસ્તાની પાઘડીને રજા આપું અને અંગ્રેજી ટોપી પહેરું, જેથી તે ઉતારવામાં માનભંગ ન લાગે અને હું ઝઘડામાંથી બચી જાઉં.

અબદુલ્લા શેઠને એ સૂચના ન ગમી. તેમણે કહ્યું : ' જો તમે આ વેળા એવો ફેરફાર કરશો તો તેનો અનર્થ થશે. બીજાઆ દેશની જ પાઘડી પહેરવા માગતા હશે તેમની સ્થિતી કફોડી થશે, વળી, આપણી દેશની પાઘડી જ તમને તો દીપે. તમે અંગ્રેજી ટોપી પહેરશો તો તમે 'વેટર'માં ખપશો.'

આ વાક્યોમાં દુન્વયી ડહાપણ હતું, દેશાભિમાન હતું, ને કંઈક સાંકડાપણું પણ હતું. દુન્વયી ડહાપણ તો સ્પષ્ટ જ છે. દેશાભિમાન વિના પાઘડીનો આગ્રહ ન હોય. સાંકડાપણા વિના 'વેટર'ની ટીકા ન હોય. ગિરમીટિયા હિંદીમાં હિંદુ, મુસલમાન ને ખ્રિસ્તીઓ એવા ત્રણ ભાગ