પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહ્યું, 'આમ આવો. તમારે છેલ્લા ડબામાં જવાનું છે.'

મેં કહ્યું, 'મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.'

પેલે જવાબ આપ્યો, 'તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબામાં જવાનું છે.'

'હું કહું છું કે, મને આ ડબામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારું છું.'

અમલદાર બોલ્યો, 'એમ નહીં બને. તમારે ઊતરવું પડશે, ને નહીં ઊતરો તો સિપાહી ઉતારશે.'

મેં કહ્યું, 'ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.'

સિપાહી આવ્યો. તેણે મારો હાથ પકડ્યો ને મને ધક્કો મારીને નીચે ઉતાર્યો. મારો સામાન ઉતારી લીધો. મેં બીજા ડબામાં જવાની ના પાડી. ટ્રેન રવાના થઈ. હું વેટિંગ રૂમમાં બેઠો. મારું હાથપાકીટ સાથે રાખ્યું. બાકી સામાનને હું ન અડક્યો. રેલવેવાળાએ સામાન ક્યાંક મૂક્યો.

આ મોસમ શિયાળાની હતી. દક્ષિણ આફ્રિકાનો શિયાળો ઊંચાણના ભાગોમાં બહુ સખત હોય છે. મૅરિત્સબર્ગ ઊંચા પ્રદેશમાં હતું તેથી ટાઢ ખૂબ લાગી. મારો ઓવરકોટ મારા સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ન ચાલી. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો. કોટડીમાં દીવો નહોતો. મધરાતને સુમારે એક ઉતારુ આવેલો. તે કંઈ વાત કરવા માગતો હોય એમ લાગ્યું, પણ હું વાત કરવાની મનોદશામાં નહોતો.

મેં મારો ધર્મ વિચાર્યોઃ 'કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.'

આવો નિશ્ચય કરી બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.