પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોટ્સે મને પુસ્તકોથી લાદ્યો. જેમ જેમ તે મને ઓળખતા જાય તેમ તેમ તેમને યોગ્ય લાગે તે પુસ્તકો વાંચવા મને આપે. મેં પણ કેવળ શ્રદ્ધાથી તે તે પુસ્તકો વાંચવા કબૂલ કર્યું. આ પુસ્તકોની અમે ચર્ચા પણ કરીએ.

આવાં પુસ્તકો મેં સને ૧૮૯૩ના વર્ષમાં ઘણાં વાંચ્યાં. તેમાંનાં બધાંનાં નામ તો મને યાદ નથી. પણ તેમાં સિટી ટેમ્પલવાળા દા. પારકરની ટીકા, પિયર્સનનાં 'મૅનિ ઇનફૉલિબલ પ્રૂફ્સ', બટલરની 'ઍનેલૉજી' ઇત્યાદિ હતાં. આમાંનું કેટલુંક ન સમજાય, કેટલુંક ગમે, કેટલુંક ન ગમે, આ બધું કોટ્સને હું સંભળાવું. 'મૅનિ ઇનફૉલિબલ પ્રૂફ્સ' એટલે ઘણા સચોટ પુરાવા; એટલે કે, બાઈબલમાં જે ધર્મ કર્તાએ જોયો તેના સમર્થનના પુરાવા. આ પુસ્તકની મારા ઉપર કાંઈ જ છાપ ન પડી. પારકરની ટીકા નીતિવર્ધક ગણી શકાય, પણ જેને ખ્રિસ્તી ધર્મોની ચાલુ માન્યતાઓ વિષે શંકા હોય તેને મદદ કરે તેવી નહોતી. બટલરની 'ઍનેલૉજી' બહુ ગંભીર ને કઠણ પુસ્તક લાગ્યું. તે પાંચ સાત વાર વાંચવું જોઈએ. તે નાસ્તિકને આસ્તિક બનાવવા સારુ લખાયેલું પુસ્તક જણાયું. તેમાંની ઈશ્વરની હસ્તી વિષે રજૂ કરવામાં આવેલી દલીલનો મને ઉપયોગ નહોતો. કેમ કે આ સમય મારો નાસ્તિકતાનો નહોતો. પણ જે દલીલો ઈશુના અદ્વિતીય અવતાર વિષે ને તેના મનુષ્ય અને ઈશ્વર વચ્ચે સંધિ કરનાર હોવા વિષે હતી તેની છાપ મારા પર ન પડી.

પણ કોટ્સ કંઈ હારે એમ નહોતા. તેમની માયાનો પાર નહોતો. તેમણે મારા ગળામાં વૈષ્ણવની કંઠી જોઈ. તેમને આ વહેમ લાગ્યો ને તે જોઈ દુ:ખ થયું. 'આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું.'

'એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે.'

'પણ તમે તેને માનો છો?'

'એનો ગૂઠાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરવામાં મારું શ્રેય માન્યું, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. કાળે કરીને તે જીર્ણ થઈ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહીં રહે. પણ આ કંઠી ન તૂટે.'

કોટ્સ મારી દલીલની કદર ન કરી શક્યા કેમ કે તેમને તો મારા