પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધર્મને વિષે જ અનાસ્થા હતી. તે તો મને અજ્ઞાનકૂપમાંથી ઉગારવાની આશા રાખતા હતા. અન્ય ધર્મોમાં ભલે કંઈક સત્ય હોય, પણ પૂર્ણ સત્યરૂપ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર વિના મોક્ષ ન જ મળે, અને ઈશુની દરમ્યાનગીરી વગર પાપપ્રક્ષાલન થાય જ નહીં ને પુણ્યકર્મો બધાં નિરર્થક છે, એ તેમને બતાવવું હતું. કોટ્સે જેમ પુસ્તકોનો પરિચય કરાવ્યો તેમ જેમને તે ધર્મચુસ્ત ખ્રિસ્તી માનતા હતા તેમનો પરિચય પણ કરાવ્યો.

આ પરિચયોમાં એક 'પ્લીમથ બ્રધરન'નું કુટુંબ હતું. 'પ્લીમથ બ્રધરન' નામનો એક ખ્રિસ્તી સંપ્રદાય છે. કોટ્સે કરાવેલા ઘણા પરિચયો મને સારા લાગ્યા. તે માણસો ઈશ્વરથી ડરનારા હતા એમ લાગ્યું. પણ આ કુટુંબમાં મારી સાથે આવી દલીલ થઈ: 'અમારા ધર્મની ખૂબી જ તમે ન સમજી શકો. તમારા બોલવા ઉપરથી હું જોઉં છું કે, તમારે હંમેશાં ક્ષણે ક્ષણે તમારી ભૂલનો વિચાર કરવો રહ્યો, હંમેશાં તેને સુધારવી રહી, ન સુધરે તો તમારે પશ્ચાતાપ કરવો રહ્યો, પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. આ ક્રિયાકાંડમાંથી તમે ક્યારે મુક્તિ પામો? તમને શાંતિ તો ન જ મળે. આપણે પાપી છીએ એ તો તમે કબૂલ કરો જ છો. હવે જુઓ અમારી માન્યતની પરિપૂર્ણતા. આપણો પ્રયત્ન ફોગટ છે. છતાં મુક્તિ તો જોઈએ જ. પાપનો બોજો કેમ ઊપડે? આપણે તે ઈશુ ઉપર ઢોળીએ. તે તો ઈશ્વરનો એક માત્ર નિષ્પાપ પુત્ર છે. તેનું વરદાન છે કે જેઓ તેને માને તેનાં પાપ તેં ધુએ છે. ઈશ્વરની આ અગાધ ઉદારતા છે. ઈશુની આ મુક્તિની યોજનાનો અમે સ્વીકાર કર્યો છે તેથી અમારાં પાપ વળગતાં નથી. પાપ તો થાય જ. આ જગતમાં પાપ વિના કેમ રહેવાય? તેથી જ ઈશુએ આખા જગતના પાપનું એકીવખતે પ્રાયશ્ચિત્ત કર્યું. તેના મહાબલિદાનનો સ્વીકાર કરવો હોય તે તેમ કરીને શાંતિ મેળવી શકે છે. ક્યાં તમારી અશાંતિ ને ક્યાં અમારી શાંતિ?'

મને આ દલીલ મુદ્દલ ગળે ન ઊતરી. મેં નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો: 'જો સર્વમાન્ય ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે.'

પ્લીમથ બ્રધરે ઉત્તર આપ્યો: 'હું તમને ખાતરી આપું છું કે તમારો