પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪. કેસની તૈયારી

પ્રિટોરિયામાં મને જે એક વર્ષ મળ્યું તે મારા જીવનમાં અમૂલ્ય હતું. જાહેરમાં કામ કરવાની મારી શક્તિનું કઈંક માપ મને અહીં મળ્યું, તે શીખવાનું અહીં મળ્યું. ધાર્મિક ભાવના એની મેળે તીવ્ર થવા લાગી. અને ખરી વકીલાત પણ અહીં જ શીખ્યો એમ કહેવાય. નવો બારિસ્ટર પુરાણા બારિસ્ટરની ઑફિસમાં રહી જે વસ્તુ શીખે છે તે વસ્તુ હું અહીં શીખી શક્યો. વકીલ તરીકે હું તદ્દન નાલાયક નહીં રહું એવો વિશ્વાસ મને અહીં આવ્યો. વકીલ થવાની ચાવી પણ મને અહીં જ હાથ લાગી.

દાદા અબદુલ્લાનો કેસ નાનો ન હતો. દાવો ૪૦,૦૦૦ પાઉંડનો, એટલે રૂપિયા છ લાખનો હતો. તે વેપારને અંગે હોઇ તેમાં નામાની ગૂંચવણો ઘણી હતી. કેટલોક ભાગ પ્રૉમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રૉમિસરી નોટ આપવાનું વચન પળાવવા ઉપર હતો. બચાવ એ હતો કે પ્રૉમેસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી અને પૂરો અવેજ નહોતો મળ્યો. આમાં હકીકત અને કાયદાની બારીઓ પુષ્કળ હતી. નામાની ગૂંચો પણ ઘણી હતી.

બંને પક્ષે સારામાં સારા સૉલિસિટરો ને બારિસ્ટરો રોકવામાં આવ્યા હતા. આથી મને તેઓના બંનેના કામનો અનુભવ મેળવવાની સુંદર તક મળી. વાદીનો કેસ સૉલિસિટરને સારુ તૈયાર કરવાનો ને હકીકતો શોધવાનો બધો બોજો મારા ઉપર હતો. તેમાંથી સૉલિસિટર કેટલું રાખે છે ને સૉલિસિટરે તૈયાર કરેલામાંથી બારિસ્ટર કેટલાનો ઉપયોગ કરે છે તે મને જોવા મળતું હતું. હું સમજી ગયો કે આ કેસ તૈયાર કરવામાં મારી ગ્રહણશક્તિનું ને ગોઠવણીની શક્તિનું માપ મને ઠીક મળી રહેશે.

મેં કેસમાં પૂરો રસ લીધો. તેમાં હું તન્મય થયો. આગળપાછળનાં બધાં કાગળિયાં વાંચી ગયો. અસીલના વિશ્વાસનો ને તેની હોશિયારીનો પાર નહોતો. તેથી મારું કામ શરળ થઈ પડ્યું. મેં નામાનો ઝીણવટથી અભ્યાસ કરી લીધો. ઘણા ગુજરાતી કાગળો હતા તેના તરજૂમા પણ મારે જ કરવા પડતા હતા. તેથી તરજૂમા કરવાની શક્તિ વધી.

મારો ઉદ્યોગ ખૂબ હતો. જોકે ઉપર લખી ગયો તેમ, ધાર્મિક ચર્ચા