પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વગેરેમાં ને જાહેર કામમાં મને ખૂબ રસ હતો અને તેમાં વખત આપતો, છતાં એ વસ્તુ મારે મન ગૌણ હતી. કેસની તૈયારીને હું પ્રધાનપદ આપતો હતો. તેને અંગે કાયદાનું વાચન કે જે કંઇ બીજું વાંચવું પડે તે હું હમેશાં પહેલું કરી લેતો. પરિણામે, કેસની હકીકત ઉપર મેં એટલો કાબૂ મેળવ્યો કે તેટલું જ્ઞાન વાદીપ્રતિવાદીને પણ કદાચ ન હોય. કેમ કે મારી પાસે તો બંનેનાં કાગળિયાંઓ હોય.

મને મરહૂમ મિ. પિક્ટના શબ્દો યાદ આવ્યા. તેનું વધારે સમર્થન પાછળથી દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ બારિસ્ટર મરહૂમ મિ. લૅનર્ડે એક પ્રસંગે કર્યું હતું. 'હકીકત એ ત્રણચતુર્થાંશ કાયદો છે,' એ મિ. પિક્ટનું વચન હતું. એક કેસને પ્રસંગે હું જાણતો હતો કે ન્યાય કેવળ અસીલ તરફ હતો, પણ કાયદો વિરુદ્ધ જતો જણાયો. હું નિરાશ થઈ મિ. લૅનર્ડની મદદ લેવા ધાયો. તેમને પણ હકીકતે કેસ મજબૂત લાગ્યો. તે બોલી ઉઠ્યા, 'ગાંધી, હું એક વાત શીખ્યો છું કે જો આપણે હકીકત ઉપર બરોબર કાબૂ મેળવીએ તો કાયદો એની મેળે આપણને મળી રહેશે. આ કેસની હકીકત આપણે જાણીએ.' આમ કહી તેમણે મને ફરી એક વાર હકીકત પચાવવા અને ત્યાર પછી ફરી મળવા આવવાનું સૂચવ્યું. એ જ હકીકતને ફરી તપાસતાં, તેનું મનન કરતાં, મેં તેને જુદી રીતે જોઇ અને તેને લગતો દક્ષિણ આફ્રિકામાં થયેલો એક જૂનો કેસ પણ હાથ લાગ્યો. હું હર્ષભેર મિ. લૅનર્ડને ત્યાં પહોંચ્યો. તે રાજી થયા ને બોલ્યા: 'જા, આપણે એ કેસ જીતવો જોઇએ. ક્યા જજ બેંચ ઉપર હશે તે જરા ધ્યાનમાં રાખવું પડશે.'

દાદા અબદુલ્લાના કેસની તૈયારી કરતો હતો ત્યારે હકીકતનો મહિમા હું આટલે દરજ્જે નહોતો પારખી શક્યો. હકીકત એટલે સત્ય વાત. સત્ય વાતને વળગી રહેતાં કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઇ જાય છે.

મેં તો અસીલના કેસને અંતે જોઇ લીધું કે તેનો કેસ ઘણો મજબૂત છે. કાયદો તેની મદદે પહોંચવો જ જોઇએ.

પણ કેસ લડતાં બંને સગા, એક જ શહેરમાં રહેનારા ખુવાર થઈ જશે એ મેં જોયું. કેસનો અંત કોઇ જોઇ ન શકે. કોર્ટમાં રહે તો કેસ