પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.

વાંચનાર ન સમજે કે હું સગાઈની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઈ નહીં. સગાઈ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઈ તૂટી શકે. સગાઈ થઈ હોય છતાં વર મરે તો કન્‍યા રાંડતી નથી. સગાઈમાં વરકન્‍યાને કશો સંબંધ નથી રહેતો. બંનેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઈ થયેલી. ત્રણે સગાઈ ક્યારે થઈ એની મને કશીયે ખબર નથી. બે કન્‍યાઓ એક પછી એક મરી ગઈ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઈઓ થયેલી. ત્રીજી સગાઈ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઈક સ્‍મરણ છે. પણ સગાઈ થઈ ત્‍યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્‍યાની જરૂર પડે છે; તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે. વિવાહનું સ્‍મરણ મને પૂરેપૂરું છે.

અમે ત્રણ ભાઈઓ હતા તે વાંચનારે જાણ્‍યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂક્યા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ચય કર્યોં. આમાં અમારા કલ્‍યાણની વાત નહોતી. અમારી ઈચ્‍છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.

હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, દાગીના બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઈ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઈ ગાઈ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.