પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને મારી સલામ કહો ને કહો કે મારા એક સાથીએ મને દગો દીધો છે, તેને હું મારા ઘરમાં રાખવા નથી માગતો, છતાં તે નીકળવાની ના પાડે છે. મહેરબાની કરીને મને મદદ મોકલો.'

ગુનો રાંક છે. મેં આમ કહ્યું તેવો જ સાથી મોળો પડ્યો. તેણે માફી માંગી. સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં માણસ ન મોકલવા આજીજી કરી ને તુરત ઘર છોડી જવાનું કબૂલ કર્યું. ઘર છોડ્યું.

આ બનાવે મારી જિંદગીની ઠીક ચોખવટ કરી. આ સાથી મારે સારુ મોહરૂપ અને અનિષ્ટ હતો, એમ હું હવે જ સ્પષ્ટ રીતે જોઈ શક્યો. આ સાથીને રાખવામાં મેં સારું કરવા બૂરા સાધનને સહ્યું હતું. મેં કડવીની વેલમાં મોગરાની આશા રાખી હતી. સાથીનું ચાલચલણ સારું નહોતું. છતાં મારા પ્રત્યેની તેની વફાદારી મેં માની લીધી હતી. તેને સુધારવાનો પ્રયત્ન કરતાં હું પોતે લગભગ ખરડાયો હતો. મારા હિતેચ્છુઓની સલાહનો મેં અનાદર કર્યો હતો. મોહે મને આંધળોભીંત બનાવ્યો હતો.

જો મજકૂર અકસ્માતથી મારી આંખ ઉઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે, જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત. મારી સેવા હંમેશાં અધૂરી રહેત, કેમ કે તે સાથી મારી પ્રગતિને અવશ્ય રોકત. તેને મારે મારો કેટલોક વખત દેવો પડત. મને અંધારામાં રાખવાની ને આડે દોરવાની તેની શક્તિ હતી.

પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? મારી નિષ્ઠા શુદ્ધ હતી. તેથી મારી ભૂલો છતાં હું ઊગર્યો ને મારા પ્રાથમિક અનુભવે મને સાવધાન કર્યો.

પેલા રસોઈયાને કેમ જાણે ઈશ્વરે જ પ્રેર્યો હોય નહીં! તેને રસોઈ આવડતી નહોતી. તે મારે ત્યાં રહી ન શકત. પણે તેના આવ્યા વિના મને બીજું કોઈ જાગ્રત ન કરી શકત. પેલી બાઈ કાંઈ મારા ઘરમાં પહેલી જ આવી હતી એમ નહોતું. પણ આ રસોઈયા જેટલી બીજાની હિંમત ચાલે જ શાની? સાથીના ઉપરના મારા અનહદ વિશ્વાસથી સહુ વાકેફગાર હતા.

આટલી સેવા કરી રસોઈયે તે જ દહાડે મે તે જ ક્ષણે રજા માગી: 'હું તમરા ઘરમાં નહીં રહી શકું. તમે ભોળા રહ્યા. મારું અહીં કામ નહીં.'