પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ ભોળા ને ભલા હિંદીઓનું ચિત્ત ચોરવામાં મને ભાષનો અંતરાય કદી આવ્યો નથી. તેમને તૂટી હિંદુસ્તાની આવડે, તૂટી અંગ્રેજી આવડે એ અમારું ગાડું ચાલે. પણ હું તો એ પ્રેમના બદલારૂપે તામિલ તેલુગુ શીખવા માગતો હતો. તામિલ તો કંઈક ચાલ્યું. તેલુગુ ઝીલવાનો પ્રયાસ હિંદુસ્તાનમાં કર્યો, પણ કક્કાને જોઈ લેવા ઉપરાંત આગળ ન ચાલી શક્યો.

મેં તામિલ તેલુગુ તો ન કર્યાં. હવે ભાગ્યે જ થઈ શકે. તેથી આ દ્રાવિડભાષાભાષીઓ હિંદુસ્તાની શીખશે એવી આશા હું રાખી રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના દ્રાવિડ 'મદ્રાસી' તો અવશ્ય થોડુંઘણું હિંદી બોલે છે. મુશ્કેલી અંગ્રેજી ભણેલાની છે. કેમ જાણે અંગ્રેજીનું જ્ઞાન આપણને આપણી ભાષાઓ શીખવવામાં અંતરાયરૂપે ન હોય!

પણ આ તો વિષયાંતર થયું. આપણે મુસાફરી પૂરી કરીએ.

હજુ 'પોંગોલા'ના નાખુદાની ઓળખાણ કરાવવી બાકી છે. અમે મિત્ર બન્યા હતા. આ ભલો નાખુદા પ્લીમથ બ્રધરના સંપ્રદાયનો હતો. તેથી વહાણવિદ્યાની વાતોના કરતાં આધ્યાત્મિક વિદ્યાની જ વાતો અમારી વચ્ચે વધારે થઈ. તેણે નીતિ અને ધર્મશ્રદ્ધા વચ્ચે ભેદ પાડ્યો. તેની દ્રષ્ટિએ બાઈબલનું શિક્ષણ રમતવાત હતી. તેની ખૂબી જ તેની સહેલાઈમાં હતી. બાળકો, સ્ત્રી, પુરુષો બધાં ઈશુને અને તેના બલિદાનને માને એટલે તેમનાં પાપ ધોવાય. આ પ્લીમથ બ્રધરે મારો પ્રિટોરિયાના બ્રધરનો પરિચય તાજો કર્યો. નીતિની ચોકી જેમં કરવી પડે એ ધર્મ તેને નીરસ લાગ્યો. મારો અન્નાહાર આ મિત્રતા અને આ આદ્યાત્મિક ચર્ચાના મૂળમાં હતો. હું કેમ માંસ ન ખાઉં, ગોમાંસમાં ધો દોષ હોય, ઝાડપાલાની જેમ પશુ-પક્ષીઓને ઈશ્વરે મનુષ્યના આનંદ તેમ જ આહારને સારુ સરજેલાં નથી શું? આવી પ્રશ્નમાળા આદ્યાત્મિક વાર્તાલાપ ઉત્પન્ન કર્યા વિના ન જ રહે.

અમે એકબીજાને સમજાવી ન શક્યા. હું મારા વિચારમાં દ્રઢ થયો કે ધર્મ અને નીતિ એક જ વસ્તુનાં વાચક છે. કપ્તાનને પોતાના અભિપ્રાયના સત્યને વિષે શંકા મુદ્દલ નહોતી.

ચોવીસ દિવસને અંતે આ આનંદદાયક મુસાફરી પૂરી થઈ ને હુગલીનું સૌંદર્ય નિહાળતો હું કલકત્તા ઊતર્યો. તે જ દિવસે મેં મુંબઈ જવાની ટિકિટ કપાવી.