પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હળવો કર્યો હતો. નાતાલમાંનાં બે ચોપાનિયાં, જેનો ઇશારો હું આગળ કરી ગયો છું, તેમાં મેં જે ભાષા વાપરી હતી તેનાથી અહીં હળવી વાપરી, કેમ કે હું જાણતો હતો કે નાનું દુઃખ પણ દૂરથી જોતાં મોટું જણાય છે.

લીલા ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી હતી, ને તે આખા હિંદુસ્તાનમાં છાપાંઓને અને જાણીતા બધા પક્ષના લોકોને મોકલી. ’પાયોનિયર’માં તેના ઉપર સૌ પહેલો લેખ પ્રગટ થયો. તેનું તારણ વિલાયત ગયું. ને એ તારણનું તારણ પાછું રૉઇટર મારફતે નાતાલ ગયું. એ તાર તો ત્રણ લીટીનો હતો. તેમાં નાતાલમાં હિંદીઓ ઉપર કેવી વર્તણૂક ચાલે છે તેના મેં આપેલા ચિત્રની નાની આવૃત્તિ હતી. તે મારા શબ્દોમાં નહોતી. તેની જે અસર થઈ તે હવે પછી જોઈશું. ધીમે ધીમે બધાં અગત્યનાં છાપાંઓમાં આ પ્રશ્નની બહોળી નોંધ લેવાઈ.

આ ચોપાનિયાંને ટપાલને સારુ તૈયાર કરાવવાં એ મુશ્કેલીનું ને, જો પૈસે કરાવું તો, ખરચાળ કામ હતું. મેં સહેલી યુક્તિ શોધી કાઢી. શેરીનાં બધાં છોકરાંને ભેળાં કર્યા ને તેમના સવારના ભાગના બે ત્રણ કલાક, જેટલા આપી શકે તેટલા, માગ્યા. છોકરાંઓએ ખુશીથી આટલી સેવા કબૂલ કરી. મારા તરફથી મેં તેમને મારી પાસે ભેળી થતી વપરાયેલી ટપાલટિકિટો આપવાનું ને તેમને આશીર્વાદ આપવાનું કબૂલ્યું. છોકરાંઓએ રમતવાતમાં મારું કામ પૂરું કરી દીધું. છેક બાળકોને આમ સ્વયંસેવક બનાવવાનો મારો આ પહેલો અખતરો હતો. આ બાળકોમાંના બે આજે મારા સાથી છે.

આ જ અરસામાં મુંબઈમાં પહેલીવહેલી મરકી ફાટી નીકળી. ચોમેર ગભરાટ ફેલાઈ રહ્યો હતો. રાજકોટમાં પણ મરકી ફેલાવાનો ડર હતો. મને લાગ્યું કે મને આરોગ્યખાતામાં કામ કરતાં આવડે ખરું. મેં મારી સેવા સ્ટેટને આપવાનું લખ્યું. સ્ટેટે કમિટિ નીમી ને તમાં મને દાખલ કર્યો. પાયખાનાની સ્વચ્છતા ઉપર મેં ભાર મૂક્યો ને કમિટિએ શેરીએ શેરીએ જઈને પાયખાનાં તપાસવાનો નિશ્ચય કર્યો. ગરીબ લોકોએ પોતાનાં પાયખાનાં તપાસવા દેવામાં મુદ્દલ આનાકાની ન કરી, એટલું જ નહીં, પણ તેમને સૂચવ્યા તે સુધારા પણ તેમણે કર્યા. પણ જ્યારે અમે મુત્સદ્દીવર્ગનાં ઘરો તપાસવા નીકળ્યા, ત્યારે કેટલીક જગ્યાએ તો અમને પાયખાનાં તપાસવાની પણ પરવાનગી ન મળતી. સુધારાની તો વાત જ શી ? અમારો