પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માંદાં, પછી સગાં હોય કે પરાયાં, તેમની સેવા કરવાનો મને શોખ હતો એમ કહી શકાય. રાજકોટમાં મારું દક્ષિણ આફ્રિકાનું કામ ચાલતું હતું તે દરમ્યાન હું મુંબઈ જઈ આવ્યો. મુખ્ય શહેરોમાં સભાઓ ભરીને લોકમત વિશેષ કેળવવાનો ઈરાદો હતો. એને અંગે જ હું ગયેલો. પ્રથમ તો ન્યાયમૂર્તિ રાનડેને મળ્યો. તેમણે મારી વાત ધ્યાન દઈને સાંભળી ને મને સર ફિરોજશાને મળવાની સલાહ આપી. પછી હું જસ્ટિસ બદરુદીન તૈયબજીને મળ્યો. તેમણે પણ મારી વાત સાંભળીને તે જ સલાહ આપી. ’જસ્ટિસ રાનડે અને હું તમને બહુ થોડા દોરી શકીશું. અમારી સ્થિતિ તો તમે જાણો છો. અમારાથી જાહેરમાં ભાગ ન લઈ શકાય. પણ અમારી લાગણી તો તમારી સાથે જ. ખરા દોરનાર સર ફિરોજ્શા છે.’

સર ફિરોજ્શાને તો હું મળવાનો હતો જ. પણ આ બે વડીલોને મોઢેથી તેમની સલાહ પ્રમાણે ચાલવાનું સાંભળી, સર ફિરોજ્શાના પ્રજા ઉપરના કાબૂનું મને વિશેષ ભાન થયું.

સર ફિરોજ્શાને મળ્યો. હું તેમનાથી અંજાવાને તો તૈયાર હતો જ. તેમને અપાતાં વિશેષણો સાંભલ્યાં જ હતાં. ’મુંબઈના સિંહ’, ’મુંબઈના બેતાજ બાદશાહ’ને મારે મળવાનું હતું. પણ બાદશાહે મને ડરાવ્યો નહીં. વડીલ જે પ્રેમથી પોતાના જુવાન દીકરાને મળે તેમ તે મળ્યા. મારે તેમના ચેમ્બરમાં તેમને મળવાનું હતું. તેમની પાસે અનુયાયીઓનો ડાયરો તો જામેલો જ હોય. વાચ્છા હતા, કામા હતા. તેમની સાથે મારી ઓળખાણ કરાવી. વાચ્છાનું નામ મેં સાંભળ્યું હતું જ. એ ફિરોજ્શાનો જમણો હાથ ગણાતા. આંકડાશાસ્ત્રી તરીકે વીરચંદ ગાંધીએ મને તેમની ઓળખ આપી હતી. તેમણે કહ્યું, ’ગાંધી, આપણે પાછા મળશું.’

આ બધું થતાં તો ભાગ્યે બે મિનિટ થઈ હશે. સર ફિરોજ્શાએ મારી વાત સાંભળી લીધી. ન્યાયમૂર્તિ રાનડે અને તૈયબજીને મળ્યો હતો તે પણ મેં તેમને જણાવ્યું. ’ગાંધી, તારે સારુ મારે જાહેર સભા કરવી પડશે. તને મદદ દેવી જોઈએ.’ મુનશીની તરફ વળ્યા, ને તેને સભાનો દિવસ મુકરર કરવાનું કહ્યું. દિવસ મુકરર કરી મને વિદાયગીરી આપી. સભાને આગલે દહાડે પોતાને મળવાનું ફરમાવ્યું. હું નિર્ભય થઈ મનમાં મલકાતો ઘેર ગયો.