પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડરું છું. તેમના નિશ્ચયને જજ ખરશેદજીએ ડોલાવ્યો, ને તે ડોલવાની પાછળ એક પારસી બહેન હતી. વિવાહ કરે કે દક્ષિણ આફ્રિકામાં આવે? વિવાહ કરવાનું તેમણે વધારે યોગ્ય ધાર્યું. પણ આ પારસી મિત્રની વતી પારસી રુસ્તમજીએ પ્રાયશ્ચિત કર્યું, ને પારસી બહેનની વતીનું પ્રાયશ્ચિત બીજી પારસી બહેનો સેવિકાનું કામ કરી ખાદી પાછળ વૈરાગ્ય લઈને કરી રહી છે. તેથી આ દંપતીને મેં માફી આપી છે. દેશપાંડેને પરણવાનું પ્રલોભન નહોતું, પણ તે ન આવી શક્યા. તેનું પ્રાયશ્ચિત તો તેઓ પોતે જ કરી રહ્યા છે. વળતાં ઝાંઝીબાર આવતું હતું ત્યાં એક તૈયબજીને મળેલો. તેમણે પણ આવવાની આશા આપેલી. પણ દક્ષિણ આફ્રિકા કંઇ એ આવે? આ ન આવવાના ગુનાનો બદલો અબ્બાસ તૈયબજી વાળી રહ્યા છે. પણ બારિસ્ટર મિત્રોને દક્ષિણ આફ્રિકા આવવા લલચાવવાના મારા પ્રયત્નો આમ નિષ્ફળ ગયા.

અહીં મને પેસ્તનજી પાદશાહ યાદ આવે છે. તેમની સાથે મને વિલાયતથી જ મીઠો સંબંધ હતો. પેસ્તનજીની ઓળખ મને લંડનની અન્નાહાર આપનારી વીશીમાં થયેલી. તેમના ભાઇ બરજોરજીની દીવાના તરીકેની ખ્યાતિ હું જાણતો હતો, મળ્યો નહોતો. પણ મિત્રમંડળ કહેતું કે તે 'ચક્રમ' છે. ઘોડાની દયા ખાઇને ટ્રામમાં ન બેસે; શતાવધાની જેવી સ્મરણશક્તિ છતાં ડિગ્રીઓ ન લે; મિજાજે એવા સ્વતંત્ર કે કોઇની શેહમાં ન આવે; અને પારસી છતાં અન્નાહારી! પેસ્તનજી છેક તેવા ન ગણાતા. પણ તેમની હોંશિયારી પંકાયેલી હતી. તે ખ્યાતિ વિલાયતમાં પણ હતી. પણ અમારી વચ્ચેના સંબંધનું મૂળ તો તેમનો અન્નાહાર હતો. તેમની હોંશિયારીને પહોંચવું મારી શક્તિબહાર હતું.

મુંબઈમાં પેસ્તનજીને ખોળી કાઢ્યા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ ગુજરાતી શબ્દકોષના કામમાં રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકામાંના કામમાં મદદ માગવાની બાબતમાં એકે મિત્રને મેં છોડ્યા નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી! 'મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? જુઓની આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી