પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રોફેસર ગોખલેને તો મળશો જ. મારી પાસે જ્યારે આવવું હોય ત્યારે વિનાસંકોચે આવજો.'

લોકમાન્યનાં આ મને પ્રથમ દર્શન હતાં. તેમની લોકપ્રિયતાનું કારણ હું તુરત સમજી શક્યો.

અહીંથી હું ગોખલે પાસે ગયો. તે ફરગ્યુસન કૉલેજમાં હતા. મને ખૂબ પ્રેમથી ભેટ્યા ને પોતાનો કરી લીધો. તેમનો પણ મને પહેલો પરિચય હતો. પણ, કેમ જાણે અમે પૂર્વે મળ્યા હોઇએ તેમ લાગ્યું. સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય. ગોખલેએ મારી ઝીણવટથી તપાસ કરી, જેમ એક નિશાળિયો નિશાળમાં દાખલ થવા જાય તેની થાય તેમ. કોને કોને મળવું ને કેમ મળવું એ બતાવ્યું, ને મારું ભાષણ જોવા માગ્યું. મને કૉલેજની ગોઠવણ બતાવી. જ્યારે મળવું હોય ત્યારે ફરી મળાવાનું કહી, દા. ભાંડારકરનો જવાબ સંભળાવવાનું કહી, મને વિદાય કર્યો. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં જે સ્થાન ગોખલેએ જીવતાં મારા હૃદયમાં ભોગવ્યું ને હજી દેહાંત થયા છતાં ભોગવે છે તે કોઈ ભોગવી શક્યું નથી.

જેમ દીકરાને બાપ વધાવે તેમ રામકૃષ્ણ ભાંડારકરે મને વધાવ્યો. તેમને ત્યાં ગયો ત્યારે મધ્યાહ્નકાળ હતો. આવે સમયે હું મારું કામ કરી રહ્યો હતો એ વસ્તુ જ આ ઉદ્યમી શાસ્ત્રજ્ઞને વહાલી લાગી; ને તટસ્થ પ્રમુખ માટેનો મારો આગ્રહ સાંભળી 'ધેટ્સ ઇટ', 'ધેટ્સ ઇટ' 'એ જ બરોબર', 'એ જ બરોબર'ના ઉદ્ગાર તેમના મુખમાંથી સહેજે નીકળી ગયા.

વાતને અંતે તેઓ બોલ્યા, 'ગમે તેને પૂછશો તો તે તમને કહેશે કે, હું હાલ કોઈ રાજ્યપ્રકરણી કામમાં ભાગ લેતો નથી. પણ તમને હું ન તરછોડી શકું. તમારો કેસ એવો મજબૂત છે ને તમારો ઉદ્યમ એવો સ્તુત્ય છે કે મારાથી તમારી સભામાં આવવાની ના ન પડાય. રા. તિલક અને રા. ગોખલેને તમે મળ્યા એ સારું કર્યું છે. તેઓને કહેજો કે હું ખુશીથી બંને પક્ષ બોલાવે તે સભામાં આવીશ ને પ્રમુખપદ લઈશ.