પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વખતની બાબત મને પૂછવાની જરૂર નથી. જે વખત બંને પક્ષને અનુકૂળ હશે તેને હું અનુકૂળ થઈશ.' આમ કહી મને ધન્યવાદ અને આશીર્વાદ આપી વિદાય કર્યો.

કશી હોહા વિના, આડંબર વિના, એક સાદા મકાનમાં પૂનાના આ વિદ્વાન અને ત્યાગી મંડળે સભા ભરી ને મને સંપૂર્ણ પ્રોત્સાહન સાથે વિદાય કર્યો.

હું અહીંથી મદ્રાસ ગયો. મદ્રાસ તો ઘેલું થઈ ગયું. બાલાસુંદરમના કિસ્સાની સભા ઉપર ઊંડી અસર પડી. મારું ભાષણ મારે સારુ પ્રમાણમાં લાંબું હતું. બધું છાપેલું હતું. પણ શબ્દેશબ્દ સભાએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. સભાને અંતે પેલા લીલા ચોપાનિયા ઉપર ધાડ પડી. મદ્રાસમાં સુધારાવધારાસહિત તેની બીજી આવૃત્તિ દસ હજારની છપાવી. તેમાંનો ઘણો ભાગ ઉપડી ગયો. પણ મેં જોયું કે દસ હજારની જરૂર નહોતી. ઉત્સાહની મારી આંકણી વધારે પડતી હતી. તે વર્ગમાંથી એકલા મદ્રાસમાં દસ હજાર નકલની જરૂર ન પડે.

અહીં મને મોટામાં મોટી મદદ સ્વ. જી. પરમેશ્વરન્ પિલ્લેની મળી. તેઓ 'મદ્રાસ સ્ટૅન્ડર્ડ'ના અધિપતિ હતા. તેમણે આ પ્રશ્નનો અભ્યાસ સારો કરી લીધો હતો. તેમની ઑફિસે મને વખતોવખત બોલાવે ને દોરે. 'હિંદુ'ના જી. સુબ્રહ્મણ્યમ્ ને પણ મળ્યો હતો. તેમણે અને દા. સુબ્રહ્મણ્યમે પણ પૂરી દિલસોજી બતાવી હતી. પણ જી. પરમેશ્વરન્ પિલ્લેએ તો મને પોતાના છાપાનો આ કામને સારુ જે ઉપયોગ કરવો હોય તે કરવા દીધો ને મેં તે છૂટથી કર્યો. સભા પાચ્યાપ્પા હોલમાં થયેલી ને તેમાં દા. સુબ્રહ્મણ્યમ્ પ્રમુખ થયા હતા એવો મને ખ્યાલ છે. મદ્રાસમાં મેં ઘણાઓનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો અનુભવ્યો કે, જોકે ત્યાં સહુની સાથે મુખ્યત્વે અંગ્રેજીમાં બોલવાનું હતું, છતાં મને ઘર જેવું જ લાગ્યું. પ્રેમ ક્યાં બંધનોને તોડી શકતો નથી?