પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દ્રષ્ટિબિંદુ સમજ્યો. 'બંગવાસી' ની ખ્યાતિ તો સાંભળી હતી. અધિપતિને ત્યાં માણસો આવતા હતા તે હું જોઈ શક્યો હતો. તેઓ બધા તેમને ઓળખનારા. તેમનુ છાપું તો ભરપૂર રહેતું હતું. દક્ષિણ આફ્રિકાનું તે વેળા તો નામ પણ માંડ જણાયેલું. નિતનવા માણસો પોતાનાં દુ:ખ ઠલવવા ચાલ્યાં જ આવે. તેમને તો પોતાનુ દુ:ખ મોટામાં મોટો સવાલ હોય. પણ અધિપતિની પાસે તો એવાં દુખિયાં થોકબંધ હોય. બધાંનુ એ બાપડો શું કરે ? વળી દુ:ખીને મન છાપાના અધિપતિની સત્તા એટલે મોટી વાત હોય. અધિપતિ પોતે તો જાણતો હોય કે તેની સત્તા તેની કચેરીના દરવાજાનો ઉંબર પણ ન ઓળંગતી હોય.

હું હાર્યો નહીં. બીજા અધિપતિઓને મળવાનું ચાલું રાખ્યું. મારા રિવાજ મુજબ અંગ્રેજોને પણ મળ્યો. 'સ્ટેટ્સમૅન' અને 'ઈંગ્લિશમૅન' બંને દક્ષિણ આફ્રિકાના સવાલનું મહત્વ જાણતા હતાં. તેમણે લાંબી મુલાકાતો છાપી. 'ઈંગ્લિશમૅન'ના મિ. સૉંડર્સે મને અપનાવ્યો. તેમની ઑફિસ મારે સારુ ખુલ્લી, તેમનું છાપું મારે સારુ ખુલ્લું. પોતાના અગ્રલેખમાં સુધારોવધારો કરવાની પણ મને છૂટ આપી. અમારી વચ્ચે સ્નેહ બંધાયો, એમ કહું તો અતિશયોક્તિ નથી. તેમણે જે મદદ થઈ શકે તે કરવાનું મને વચન આપ્યું. મેં જોયું કે આ વચન તેમણે અક્ષરશ: પાળ્યુ, ને તેમની તબિયત ખરાબ થઈ ત્યાં લગી તેમણે મારી સાથે પત્રવ્યવહાર જારી રાખ્યો. મારી જિંદગીમાં આવા અણધાર્યા મીઠા સંબંધો અનેક બંધાયા છે. મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં. તેમણે મારી ઊલટતપાસ કરવામાં કચાશ નહોતી રાખી. તેમાં તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી.

મારો અનુભવ મને કહેછે કે સામા પક્ષને ન્યાય આપી આપણે ન્યાય વહેલો મેળવીએ છીએ.

આમ મને અણધારી મદદ મળવાથી કલકત્તામાં પણ જાહેર સભા ભરવાની આશા બંધાઈ. તેવામાં ડરબનથી તાર મળ્યો : 'પાર્લમેન્ટ