પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાંકી કાઢવાની હિલચાલ ડરબનમાંના ગોરા શહેરીઓ કરી રહ્યા હતા, તે પણ આ હુકમમાં કારણભૂત હતી.

દાદા અબદુલ્લા તરફથી અમને શહેરમાં ચાલી રહેલી આ હિલચાલની ખબરો મળ્યા કરતી હતી. ગોરાઓ ઉપરાઉપર જંગી સભાઓ કરતા હતા. દાદા અબદુલ્લા ઉપર ધમકીઓ મોકલતા હતા. તેમને લાલચ પણ દેતા હતા. જો દાદા અબદુલ્લા બંને સ્ટીમરોને પાછી લઈ જાય તો તેમને નુકસાની ભરી આપવા તૈયાર હતા. દાદા અબદુલ્લા કોઈની ધમકીથી ડરે એવા નહોતા. આ વેળા ત્યાં શેઠ અબદુલ કરીમ હાજી આદમ પેઢીએ હતા. તેમણે ગમે તે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની ને ઉતારુઓને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. મારા ઉપર હંમેશાં તેમના વિગતવાર કાગળો આવતા. સારા નસિબે આ વેળા મરહૂમ મનસુખલાલ હીરાલાલ નાજર મને મળાવા ડરબન આવી પહોંચ્યા હતા. તેઓ બાહોશ અને બહાદુર હતા. તેમણે કોમને નેક સલાહ આપી. વકીલ મિ. લૉટન હતા. તે પણ તેવા જ બહાદુર હતા. તેમણે ગોરાઓનુઇં કામ વખોડી કાઢ્યું, ને આ વેળા કોમને જે સલાહ આપી તે કેવળ વકીલ તરીકે પૈસા લઈને નહીં પણ એક સાચા મિત્ર તરીકે આપી.

આમ ડરબનમાં દ્વંદ્વયુદ્ધ જામ્યું. એક તરફથી મૂઠીભર ગરીબડા હિંદીઓ અને તેમના ગણ્યાગાંઠ્યા અંગ્રેજ મિત્રો; બીજી તરફથી ધનબળ, બાહુબળ, અક્ષરબળ ને સંખ્યાબળમાં પૂરા અંગ્રેજો. આ બળવાન પ્રતિપક્ષીને સત્તાબળ પણ મળ્યું, કેમ કે નાતાલની સરકારે ઉઘાડી તીતે તેને મદદ કરી. મિ. હૅરી ઍસ્કર્બ, જેઓ પ્રધાનમંડળમાં હતા ને તેમાં કર્તાહર્તા હતા, તેમણે આ મંડળની સભામાં જાહેર રીતે ભાગ લીધો.

એટલે અમારું સૂતક કેવળ આરોગ્યના નિયમોને જ આભારી નહોતું. કેમે કરીને એજન્ટને અથવા ઉતારુઓને દબાવીને અમને પાછા કાઢવા હતા. એજન્ટને તો ધમકી હતી જ. હવે અમારા ઉપર પણ ધમકીઓ આવી@ 'જો તમે પાછા નહીં જાઓ તો તમને દરિયામાં ડુબાવી દેવામાં આવશે. પાછા જશો તો તમારું પાછા જવાનું ભાડું પણ કદાચ તમને મળે.' હું ઉતારુઓમાં ખૂબ ફર્યો. તેમને ધીરજ આપી. 'નાદરી'ના ઉતારુઓને પણ ધીરજના સંદેશા મોકલ્યા. ઉતારુઓ શાંત રહ્યા ને તેમણે હિંમત બતાવી.