પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ દુઃખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારુ સ્થાયી ફંડ રાખવા વિષે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારુ તેમ જ તેમના તંત્રને સારુ જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઇ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.

જાહેરસંસ્થા એટલે લોકોની મંજૂરીને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલકત ઉપર નભતી સંસ્થા લોકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે ને કેટલીક વેળા તો ઊલટાં આચરણ પણ કરે છે. આવો અનુભવ હિંદુસ્તાનમાં ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબકિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલિક થઈ પડ્યા છે ને કોઈને જવાબદાર હોય તેમ નથી. જેમ કુદરત પોતે રોજનું પેદા કરીને રોજનું જમે છે તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઇએ, એ વિષે મને શંકા જ નથી. જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતાની અને તેના સંચાલકોની પ્રામાણિકતાની કસોટી છે, અને દરેક સંસ્થાએ એ કસોટી ઉપર ચડવું જોઇએ એવો મારો અભિપ્રાય છે.

આ લખાણની ગેરસમજ ન થાઓ. ઉપરની ટીકાઓ એવી સંસ્થાને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓને ચાલુ ખરચોનો આધાર લોકો પાસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઇએ.

આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. પણ હવે પછી આપવાની બીનાઓનો ઉલ્લેખ હું અહીં ન કરું. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.