પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રકરણમાં કરી ચૂક્યો છું. તેની કંઈક અને ક્ષણિક અસર મારા ઉપર થયેલી. પણ મિ. હિલ્સનના તેના વિરોધની અને આંતરસાધનના — સંયમના સમર્થનની અસર ઘણી વધારે નીવડી અને અનુભવે ચિરસ્થાયી બની. તેથી પ્રજોત્પત્તિની અનાવશ્યકતા સમજાતાં સંયમપાલનનો પ્રયત્ન આદર્યો.

સંયમપાલનની મુશ્કેલીઓનો પાર નહોતો. નોખા ખાટલા રાખ્યા. રાત્રે થાકીને જ સૂવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નનું બહુ પરિણામ તુરત ન જોઈ શક્યો. પણ આજે ભૂતકાળની ઉપર આંખ ફેરવતાં જોઉં છું કે એ બધા પ્રયત્નોએ મને છેવટનું બળ આપ્યું.

અંતિમ નિશ્ચય તો છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. તે વખતે સત્યાગ્રહનો આરંભ નહોતો થયો. તેનું મને સ્વપ્ન સરખુંયે નહોતું. બોઅર યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ 'બળવો' થયો. એ વેળા હું જોહાનિસબર્ગમાં વકીલાત કરતો હતો. પણ મને લાગ્યું કે મારે તે 'બળવા'ને અંગે પણ મારી સેવા નાતાલ સરકારને અર્પવી જોઈએ. મેં તે આપી. તે કબૂલ થઈ. તેનું વર્ણન હવે પછી આવશે. પણ આ સેવાને અંગે મને તીવ્ર વિચારો ઉત્પન્ન થયા. મારા સ્વભાવ પ્રમાણે, મારા સાથીઓ જોડે મેં તેની ચર્ચા કરી. મને લાગ્યું કે પ્રજોત્પત્તિ અને પ્રજાઉછેર જાહેરસેવાનાં વિરોધી છે. આ 'બળવા'માં દાખલ થવા સારુ મારે મારું જોહાનિસબર્ગનું ઘર વીંખવું પડ્યું હતું. ટાપટીપથી વસાવેલા ઘરનો અને રાચરચીલાનો, તે વસાવ્યાં માંડ મહિનો થયો હશે તેટલામા, મેં ત્યાગ કર્યો. પત્નીને અને બાળકોને ફિનિક્સમાં રાખ્યાં, ને હું ભોઈની ટુકડી લઈને નીકળી પડ્યો. કઠણ કૂચો કરતાં મેં જોયું કે, જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિત્તૈષણાનો ત્યાગ કરવો જોઈએ. અને વાનપ્રસ્થધર્મનું પાલન કરવું જોઈએ.

'બળવા'માં તો મારે દોઢ મહિનાથી વધુ ન રોકાવું પડ્યું. પણ આ છ અઠવાડિયાં મારી જિંદગીનો અતિશય કીંમતી કાળ હતો. વ્રતનું મહત્ત્વ હું આ વેળા વધારેમાં વધારે સમજ્યો. મેં જોયું કે વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. આજ લગી મારા પ્રયત્નોમાં ઘટતી સફળતા ન મળી, કેમ કે હું નિશ્ચયવાન નહોતો. મને મારી શક્તિનો અવિશ્વાસ હતો. મને ઈશ્વરકૃપાનો અવિશ્વાસ હતો. અને તેથી મારું મન અનેક તરંગો ને